હું વડા પ્રધાનને દિવાળીની શુભેચ્છા આપવા ગયો હતો

26 October, 2025 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા માટે દિલ્હી હજી દૂર છે એવું દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા એ પછી તરત નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી કેમ પહોંચ્યા એકનાથ શિંદે?

એકનાથ ​શિંદેએ ‌દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શાલ, પુષ્પગુચ્છ અને સંત તુકારામ મહારાજની મૂર્તિ ભેટ આપીને દિવાળીની શુભેચ્છા આપી હતી.

શિવસેનાના વડા અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ તેમના બધા જ કાર્યક્રમો રદ કરી દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેતાં અનેક રાજકીય નિરીક્ષકોનાં ભવાં વંકાયાં હતાં. ‍રાજ્યમાં સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી અને એમાં પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) જે તેમનો ગઢ ગણાય છે એની પણ ચૂંટણી છે ત્યારે એની રણનીતિ નક્કી કરવા અને ખાસ કરીને ટિકિટ આપવાની બાબતે ચર્ચા કરવા તેઓ દિલ્હી વડા પ્રધાનને મળવા ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. વડા પ્રધાન સાથે મીટિંગ કર્યા પછી એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ દિવાળીની શુભેચ્છા આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મારા માટે દિલ્હી હજી દૂર છે, હું ૨૦૨૯ સુધી મહારાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર રહેવાનો છંુ. કૉન્ગ્રેસે ફડણવીસનું આ વિધાન શિંદે માટે હોવાનો તર્ક કાઢ્યો હતો.

મીટિંગ બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હું દિલ્હી આવું તો પણ ચર્ચા થાય છે અને હું ખેતરમાં જાઉં તો પણ ચર્ચા થતી હોય છે. ચર્ચા કરનારા ચર્ચા કરતા જ રહે છે, પણ હું મારું કામ કરતો હોઉં છું. મેં વડા પ્રધાન મોદીને દિવાળી અને નવા વર્ષની શુભકામના આપી હતી તથા કેન્દ્ર અને રાજ્યના સહયોગમાં હવે પછીની યોજનાઓ બાબતે ચર્ચા કરી હતી. વડા પ્રધાન દેશ માટે જે કામ કરી રહ્યા છે એનો અમને બધાને ગર્વ છે. અમે જ્યારે પણ મળીએ ત્યારે વડા પ્રધાન વિકાસ પર જ બોલતા હોય છે, પછી એ મહારાષ્ટ્રનો વિકાસ હોય કે દેશનો વિકાસ હોય. અમે મળીએ એટલે વિકાસ પર જ ચર્ચા કરતા હોઈએ છીએ. વળી અમે નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના સાથી પક્ષ હોવાથી કાયમ જ અમને આદરનું સ્થાન આપવામાં આવે છે. વડા પ્રધાને કહ્યું છે કે NDAના બધા જ સાથી પક્ષો એકબીજા સાથે વિચારોથી જોડાઈ રહે અને અલાયન્સ મજબૂત કરવાનું કામ કરતા રહે. રાજ્યની મહાયુતિ અને NDA વિકાસના એજન્ડા પર એકસાથે છે.’

એકનાથ શિંદેએ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈને કહ્યું હતું કે બેઠકોની વહેંચણી અને રણનીતિ પર અંતિમ નિર્ણય વરિષ્ઠ નેતાઓ લેશે.

mumbai news mumbai narendra modi eknath shinde shiv sena bharatiya janata party political news maharashtra political crisis