19 November, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મહાયુતિના સાથી-પક્ષોના ગઠબંધનમાં પણ પોતાના પક્ષને વધુ બેઠક મળે એ માટે પ્રયાસો થઈ રહ્યા છે. આના કારણે બીજાના પક્ષમાંથી તેમના સ્થાનિક નેતાઓને, ભૂતપૂર્વ નગરસેવકોને પોતાના પક્ષમાં લેવાનું ચાલુ થઈ ગયું છે. એમાં તાજેતરમાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના એકનાથ શિંદેની સેનાના ભૂતપૂર્વ નગરસેવક મહેશ પાટીલ, સુનીતા પાટીલ અને સાયલી વિચારેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં BJPનો ખેસ પહેર્યો હતો. આને કારણે શિંદેસેનામાં નારાજગી વ્યાપી ગઈ છે. એથી ગઈ કાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકનો શિવસેનાના મોટા ભાગના મંત્રીઓએ વિરોધ કર્યો હતો અને એમાં હાજરી નહોતી આપી. જોકે આ પહેલાં આ ત્રણેય નગરસેવક BJPમાં જ હતા અને હવે તેમની ઘરવાપસી થઈ છે. BJPના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે આ માટે પ્રયાસ કર્યા હતા એટલે એ ત્રણેય ભૂતપૂર્વ નગરસેવક શિંદેસેના છોડીને BJPમાં જોડાઈ ગયા હતા. આ શિંદેસેના માટે મોટો ઝટકો છે.
શિવસેનાના નેતાઓને દેવેન્દ્ર ફડણવીસે ખખડાવ્યા
શિંદેસેનામાં નારાજગી ફેલાતાં ગઈ કાલે મંત્રીમંડળની બેઠકમાં એકનાથ શિંદે ઉપરાંત બહુ ઓછા શિવસેનાના મંત્રીઓએ હાજરી આપી હતી. બેઠક પત્યા પછી ગુલાબરાવ પાટીલ, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક અને ભરત ગોગાવલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયા હતા. એ વખતે એકનાથ શિંદે પણ ત્યાં જ હતા. કલ્યાણ-ડોમ્બિવલીમાં થયેલી પક્ષપલટા બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે તેમની એ રજૂઆત સાંભળીને દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની હાજરીમાં જ તેમને ખખડાવ્યા હોવાની વાત સામે આવી હતી. મુખ્ય પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘આની શરૂઆત તમે જ ઉલ્હાસનગરથી કરી હતી. જો તમે કરો તો ચાલે અને BJP કરે તો ન ચાલે એવું નહીં ચલાવી લેવાય. ગઠબંધનમાં પરસ્પરના પક્ષમાંથી લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે એ નિયમ બન્ને બાજુએ સમાન હશે અને બન્ને પક્ષોએ એ પાળવાનો રહેશે.’
શિંદેસેનાની નારાજગી
શિંદેસેનાની નારાજગી મુખ્યત્વે BJPના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ સામે છે. તેમનું કહેવું છે કે કલ્યાણ–ડોમ્બિવલીમાં રવીન્દ્ર ચવ્હાણ પર્સનલ એજન્ડા ચલાવી સંસદસભ્ય શ્રીકાંત શિંદેના મતદારસંઘમાં ઑપરેશન લોટસ ચલાવી રહ્યા છે. તેમના કહેવાથી જ મહેશ પાટીલ, સુનીતા પાટીલ અને સાયલી વિચારે BJPમાં જોડાયાં હોવાનો તેમણે આરોપ કર્યો હતો. રવીન્દ્ર ચવ્હાણ જાણીજોઈને મહાયુતિમાં વિઘ્ન ઊભાં કરે છે એવું તેમનું કહેવું હતું. તેમનું એમ પણ કહેવું હતું કે BJP અને નૅશનિલસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના કેટલાક અસંતુષ્ટો અમારી સાથે આવવા તૈયાર હતા, પણ મહાયુતિમાં વિવાદ ન થાય એ માટે અમે એ નહોતું કર્યું.