20 January, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
તેમના પક્ષના ચૂંટાયેલા ૨૯ કૉર્પોરેટરોને મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં ખસેડવામાં આવ્યા હોવાનો બિનજરૂરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે એમ જણાવતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે નવા ચૂંટાઈ આવેલા નગરસેવકો માટે ૩ દિવસની વર્કશૉપ રાખવામાં આવી છે જેમાં એ લોકોને મહાનગરપાલિકાનું કામ કઈ રીતે ચાલે એની ટ્રેઇનિંગ આપવામાં આવશે. BMCની ચૂંટણીમાં BJP-શિવસેના ગઠબંધનને પાતળી બહુમતી મળ્યા બાદ ૨૯ નવા ચૂંટાયેલા સભ્યોને હોટેલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે શિંદે જાણે છે કે તેમની પાર્ટીને આ પદ મળશે નહીં અને તેમણે આ વિષય પર BJP સાથે ચર્ચા કરી નથી તેમ છતાં ભવિષ્યનું કાંઈ કહી શકાય નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે એકનાથ શિંદે સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે મુંબઈમાં BJP-શિવસેના ગઠબંધન માટેના જનાદેશનું ઉલ્લંઘન કરવાની તેમની કોઈ યોજના નથી. તેઓ મહાયુતિ આ સંદર્ભે જે નિર્ણય લેશે એનો આદર કરશે.
BMCની ચૂંટણીમાં ચૂંટણીઓમાં BJP અને શિંદેના નેતૃત્વ હેઠળની સેનાના ગઠબંધને ૨૨૭ સભ્યોની BMCમાં ૮૯ અને ૨૯ બેઠકો મેળવીને બહુમતી મેળવી હતી. શિવસેના (UBT) એ ૬૫ બેઠકો જીતી હતી, જ્યારે એના સાથી પક્ષ MNSએ છ બેઠકો પર વિજય મેળવ્યો હતો. એથી હાલ મહાયુતિના કયા પક્ષનો મેયર બને છે એના પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. હાલ શિવસેના કિંગમેકરની ભૂમિકામાં હોવાથી એની ચાલ પર સૌની નજર મંડાયેલી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં સત્તા સ્થાપવામાં હજી ૮-૧૦ દિવસનો સમય નીકળી શકે એમ છે એટલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ એના નવા ચૂંટાઈ આવેલા નગરસેવકોને આવતા ૮-૧૦ દિવસ મુંબઈ બહાર ન જવાના કડક આદેશ આપ્યા છે. મેયરના રિઝર્વેશન બાબતે ગુરુવારે લૉટરી થવાની છે. એ પછી મેયરની નિમણૂક થાય ત્યાર બાદ જ BJP એની સત્તા સ્થાપવા માટેનો દાવો કરી શકશે. એક બાજુ એકનાથ શિંદે મહાયુતિનો જ મેયર બેસશે એમ કહી રહ્યા છે. બીજી બાજુ શિવસૈનિકોમાં આ વર્ષ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકેરની જન્મશતાબ્દીનું હોવાથી શિવસેનાનો જ મેયર બને એવી માગણી જોર પકડી રહી છે. ત્યારે BJPએ પણ સાવચેતી રાખી એના નગરસેવકોને આવતા ૮-૧૦ દિવસ મુંબઈ બહાર ન જવા કડક શબ્દોમાં આદેશ આપી દીધો છે.
ગઈ કાલે થાણેમાં મેયરની ઑફિસમાં સાફસફાઈ કરવામાં આવી રહી હતી.