એકનાથ શિંદેનો ‘ભત્રીજો’ જુગાર રમતાં પકડાયો

10 August, 2022 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધરપકડથી બચવા મુખ્ય પ્રધાન સાથેની અનેક તસવીરો તેણે પોલીસને બતાવી, પણ શિવસેનાના શાખાપ્રમુખનો આ દાવો ખોટો નીકળ્યો 

પોલીસે દરોડો પાડીને સીએમનો ભત્રીજો હોવાનું કહેનાર મહેશ શિંદે સામે ગુનો નોંધ્યો હતો.

મુંબઈ : એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારના કૅબિનેટ વિસ્તરણના દિવસે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસે મુખ્ય પ્રધાનનો ભત્રીજો હોવાનું કહેનાર એક યુવાનની ધરપકડ કરી હતી. પોતે સીએમ એકનાથ શિંદેનો ભત્રીજો હોવાનું કહેતા મહેશ શિંદેને જુગાર રમતાં પકડવામાં આવ્યો છે. મીરા રોડમાં આવેલી જીસીસી ક્લબની એક રૂમમાં મહેશ શિંદે જુગાર રમી રહ્યો હતો. જોકે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર કમિશનર કાર્યાલય દ્વારા સ્પષ્ટ કરાયું છે કે તે સીએમનો ભત્રીજો નથી.
મહેશ શિંદે કાશીમીરાના હાટકેશના મંગલનગર પરિસરમાં શિવસેનાના શાખાપ્રમુખપદે પણ કામ કરતો હતો. સોમવારે મોડી રાતે એમબીવીવીની ક્રાઇમ બ્રાન્ચને આ ક્લબની રૂમ-નંબર ૭૯૪માં ૧૦ લોકો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. એના આધારે પોલીસે ક્લબ પર દરોડો પાડીને મહેશ શિંદે સહિત ૧૦ જુગારીઓની ધરપકડ કરી હતી. મહેશ શિંદેની ધરપકડ કરતાં તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ભત્રીજો હોવાનું તેણે કહ્યું હતું. 
એમબીવીવી પોલીસના પ્રવક્તા બલરામ પાલકરે આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. તેણે પોતાને મુખ્ય પ્રધાનનો ભત્રીજો હોવાનું કહીને એકનાથ શિંદે સાથેની અનેક તસવીરે બતાવી હતી. પોલીસે મહેશ શિંદે નામની વ્યક્તિ પર કાર્યવાહી કરી હતી, જે મુખ્ય પ્રધાનનો ભત્રીજો નથી. તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બેલેબલ ઑફેન્સ હોવાથી તેને છોડવામાં આવ્યો હતો.’

mumbai news maharashtra eknath shinde