સિદ્ધિવિનાયક મંદિરની બહાર ભિક્ષા માગતી મહિલાને ભોળવીને તેની ૭૦,૦૦૦ રૂપિયાની ચેઇન પડાવી લીધી એક લેડીએ

03 December, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા શેઠ ગરીબ મહિલાઓને રૅશન આપે છે; તમે મારી સાથે ચાલો, તમને પણ અપાવી દઈશ એમ કહીને સાથે લઈ ગઈ અને પછી હાથચાલાકી કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરની બહાર ભિક્ષા માગીને ગુજરાન ચલાવતી ૭૦ વર્ષની શોભા ગોગલિયાને વાતોમાં ભોળવીને એક મહિલા સોમવારે સાંજે તેની ૭૦,૦૦૦ રૂપિયાની ચેઇન સેરવી ગઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ભિક્ષુક મહિલાની ચેઇન પડાવી જનાર મહિલા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મારા શેઠ ગરીબ મહિલાઓને રૅશન આપે છે, તમે મારી સાથે ચાલો, તમને પણ અપાવી દઈશ એવો દાવો કરીને આરોપી મહિલા ભિક્ષુક મહિલાને સિદ્ધિવિનાયક મંદિરની બહારથી ટૅક્સીમાં માહિમ દરગાહ લઈ ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં તેને ફેરવ્યા બાદ વાતોમાં ભોળવીને તેની ચેઇન સેરવી લેવામાં આવી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ માહિમ દરગાહ અને સિદ્ધિવિનાયક મંદિરની બહારના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને આરોપીની મહિલાની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

ભિક્ષુક મહિલાને લલચાવવામાં આવી

મારા ૩ જુવાન દીકરા અને પતિના મૃત્યુ બાદ સિદ્ધિવિનાયક મંદિરની બહાર પ્લાસ્ટિકની બૉટલો ભેગી કરીને અને એને ભંગારમાં વેચીને તેમ જ ભિક્ષા માગીને ગુજરાન ચલાવું છું એમ જણાવીને શોભા ગોગલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સોમવારે બપોરે ૩ વાગ્યે સિદ્ધિવિનાયક મંદિરની બહારથી પ્લાસ્ટિકની પાણીની ખાલી બૉટલો ભેગી કરી રહી હતી ત્યારે એક મહિલા મારી પાસે આવી હતી. તે બાંદરાની એક સંસ્થામાં કામ કરતી હોવાનું કહ્યું હતું તેમ જ તેની સંસ્થા ગરીબ મહિલાઓને ઘઉં, ખાંડ, ચા પત્તી, નવાં કપડાં આપતી હોવાનું કહી એ તમામ વસ્તુઓ મને મળશે એમ કહીને પોતાની સાથે માહિમ દરગાહ પર આવવા કહ્યું હતું. જોકે મારી તબિયત ખરાબ હોવાથી મેં તેને માહિમ જવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે અનીતા શર્માના નામે પોતાની ઓળખ આપનાર મહિલાએ ટૅક્સીમાં આવવાનું કહીને ૧૦ મિનિટમાં પાછા આવી જઈશું એમ કહ્યું હતું. ત્યાર બાદ હું તેની સાથે જવા તૈયાર થઈ હતી.’

બસ-ટૅક્સીમાં ફેરવવામાં આવી

અમે સિદ્ધિવિનાયક મંદિરની બહારથી શૅરિંગ ટૅક્સીમાં બેઠા બાદ કબૂતરખાના નજીક ઊતરી ગયાં હતાં એમ જણાવીને શોભા ગોગલિયાએ કહ્યું હતું કે ‘ત્યાર બાદ આગળ પ્લાઝા તરફ ચાલતા જઈ ત્યાંથી BESTની ૪૦ નંબરની બસમાં બેઠાં હતાં અને ધોબીવાડા ઊતરી ત્યાંથી ચાલીને માહિમ દરગાહ નજીક સાડાચાર વાગ્યાની આસપાસ પહોંચ્યાં હતાં. ત્યાં તેણે દરગાહની બહારની દુકાનમાંથી ખરીદેલો પ્રસાદ લઈ અન્ય લોકોમાં વહેંચ્યો હતો અને છેલ્લે મને પ્રસાદ ખાવા માટે આપ્યો હતો. પછી રૅશન મેળવવા માટે ફોટોની જરૂર હોવાથી તે મને પૅરૅડાઇઝ થિયેટર નજીક ફોટોની એક દુકાનમાં લઈ ગઈ હતી. ત્યાં તેણે મારો ફોટો પડાવ્યો હતો. ત્યાંથી બહાર આવ્યા બાદ તે મને સ્ટેશન તરફ જતા રસ્તા પર ચાલતી લઈ ગઈ હતી. તેણે ચાલતી વખતે કહ્યું કે તમારા ગળાની સોનાની ચેઇન કાઢીને રાખી દો, નહીંતર મારી શેઠ કહેશે કે તું ધનવાન છે. તેથી મેં મારા ગળામાંથી સોનાની ચેઇન કાઢીને મારી સાડીના એક છેડે બાંધવાની કોશિશ કરી હતી. ત્યારે તેણે મને કહ્યું કે તું ચેઇન એમ નહીં રાખ, હમણાં મને આપી દે, રૅશન મળ્યા બાદ મારી પાસેથી ચેઇન પાછી લઈ લેજે. એમ કહીને મારી ચેઇન તેણે પોતાના પાકીટમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ તે મારી સાથે આગળ ચાલી હતી. હું આગળ અને તે પાછળ હતી. થોડી વારમાં અચાનક મારી પાછળથી તે ગાયબ થઈ ગઈ હતી. ત્યાર બાદ મેં તેને આસપાસમાં શોધી હતી. જોકે તે મહિલા મને મળી આવી નહોતી. અંતે મારી સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં મેં દાદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

 

mumbai news mumbai siddhivinayak temple mumbai crime news Crime News crime branch prabhadevi