16 November, 2025 06:52 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
ચૂંટણીપંચના સેક્રેટરી સંતોષકુમાર દુબેએ સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટ રજૂ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડ ભારતના નાગરિકત્વનો પુરાવો નથી, એ માત્ર મતદારયાદીમાં નામ સામેલ કરવાની ઇચ્છા ધરાવતા લોકોની ઓળખ કરવા માટે વાપરવામાં આવે છે.
નવી મતદારયાદીમાં નામ નોંધાવવા માટે વાપરવામાં આવતા ફૉર્મ ૬માં જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડને વાપરવા વિરુદ્ધ નિર્દેશ આપવામાં આવ્યો છે. આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખ કરવા માટે મર્યાદિત કરવામાં આવે અને ફૉર્મ ૬માં જન્મતારીખના પુરાવા તરીકે એના ઉપયોગને રોકવામાં આવે એવી માગણી કરતી અરજી અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ સંદર્ભમાં સંતોષકુમાર દુબેએ ઉપરોક્ત ઍફિડેવિટ નોંધાવ્યું હતું.
ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે જનપ્રતિનિધિ કાયદો, ૧૯૫૦ની કલમ ૨૩(૪) અનુસાર આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ પુરવાર કરવામાં વાપરવામાં આવે છે. આધાર કાર્ડ નાગરિકત્વ કે ઍડ્રેસના પુરાવા તરીકે વાપરવામાં આવતું નથી.