વીક-એન્ડ પહેલાંના કે પછીના દિવસે ચૂંટણી ન યોજાવી જોઈએ

22 April, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં જ્યાં સરેરાશ ૬૭ ટકા લોકોએ મત આપ્યા હતા એની સામે મહારાષ્ટ્રમાં ત્રણ ટકા ઓછું એટલે કે ૬૪ ટકા મતદાન થયું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈની છ, થાણેની ત્રણ, પાલઘર, ધુળે, દિંડોરી અને નાશિક વગેરે ૧૩ બેઠકોમાં ૨૦ મેએ મતદાન થશે. આ દિવસે સોમવાર આવે છે. આ દિવસે મતદાન કરવા માટે જાહેર રજા છે. કેટલાક લોકો વીક-એન્ડ સહિત ત્રણ દિવસની રજાનો લાભ લઈને બહારગામ ઊપડી જશે તો મતદાનને અસર થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાશિક પ્રશાસને ચૂંટણીપંચને પત્ર લખ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં જ્યાં સરેરાશ ૬૭ ટકા લોકોએ મત આપ્યા હતા એની સામે મહારાષ્ટ્રમાં ત્રણ ટકા ઓછું એટલે કે ૬૪ ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી છે એમાં સોમવાર, ૨૦ મેએ ૧૩ બેઠકની ચૂંટણી યોજવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આનાથી મતદાનને અસર થઈ શકે છે એટલે આગામી વિધાનસભા કે મહાનગરપાલિકા સહિતની મહારાષ્ટ્રની તમામ ચૂંટણીઓ વીક-એન્ડ પછીના સોમવારે કે વીક-એન્ડ પહેલાંના શુક્રવારે નહીં યોજતા. અઠવાડિયાના વચ્ચેના દિવસમાં કામકાજ ચાલુ હોય છે એટલે મોટા ભાગના લોકો ઇમર્જન્સી ન હોય તો બહારગામ જવાનું ટાળે છે અને મતદાન કરી શકશે. આ સિવાય નાશિક જિલ્લા પ્રશાસને મતદાનના દિવસે કે એની પહેલાંના બે-ત્રણ દિવસ કોઈ બસની ટિકિટ બુક કરાવે તો એવા નાગરિકોને ૨૦ મેએ મતદાન હોવાની જાણ કરો અને એ પછી જ ટિકિટ બુક કરાવે એવું આહવાન કરવાની સૂચના પ્રાઇવેટ બસ-ઑપરેટરોને આપી છે.

mumbai news mumbai Lok Sabha Election 2024 nashik thane palghar