15 December, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રોજના પાંચ લાખ પ્રવાસીઓની અવરજવર ધરાવતું દાદર રેલવે-સ્ટેશન સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે બન્ને લાઇનમાં આવતું હોવાથી એના પર બહુ ભીડ રહે છે. ખાસ કરીને ફુટઓવર બ્રિજ પર પણ ભારે ભીડને લીધે પ્રવાસીઓને હાડમારી ઉઠાવવી પડતી હોય છે. એથી હવે વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓની સેફ્ટી અને સુવિધા માટે એલિવેટેડ ડેક બનાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન લિમિટેડ (MRVCL) અને વેસ્ટર્ન રેલવેએ એલિવેટેડ ડેક બનાવવાનું કામ ચાલુ કર્યું છે. દાદરમાં કુલ ૧૫ પ્લૅટફૉર્મ છે જેમાંથી ૭ નંબર સુધીનાં પ્લૅટફૉર્મ વેસ્ટર્ન રેલવેમાં આવે છે. આ પ્રોજેક્ટ પ્રવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ માટે બે તબક્કામાં બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં ૧૦૦ મીટર લાંબો અને ૩૩ મીટર પહોળો ડેક પ્લૅટફૉર્મ નંબર એકથી લઈને ૩ની ઉપર બનાવવામાં આવશે. એ ડેક હાલના બે ફુટઓવર બ્રિજને નૉર્થ સાઇડ (માટુંગા સાઇડ)થી જોડશે. એથી પ્રવાસીઓને મૂવમેન્ટ માટે વધુ પહોળી જગ્યા મળી રહેશે. પહેલા તબક્કામાં એ ડેક પર ૪ દાદરા, ૪ એસ્કેલેટર, બે લિફ્ટ બેસાડવામાં આવશે. એને લીધે ભીડ થતી અટકી જશે અને લોકોને પ્લૅટફૉર્મ પર આવવા-જવામાં આસાની રહેશે.
પહેલો તબક્કો પૂરો થઈ ગયા બાદ બીજા તબક્કાનું કામ હાથમાં લેવાશે જે અંતર્ગત પ્લૅટફૉર્મ નંબર એક પર ડેકનું બાંધકામ ચાલુ કરાશે જે ૧૦૦ મીટર લાંબો અને ૧૫ મીટર પહોળો હશે. આ સેક્શનમાં બે દાદરા, બે એસ્કેલેટર અને એક લિફ્ટ હશે.
આ ઉપાય સફળ નીવડ્યો છે
MRVCLનું કહેવું છે કે એલિવેટેડ ડેકની ડિઝાઇન ઑલરેડી જે ભીડભાડવાળાં સ્ટેશનો છે ત્યાં ઉપયોગી થઈ રહી છે. એમાં બોરીવલી, ગોરેગામ, અંધેરી અને ખારનો સમાવેશ થાય છે. લોકો ભીડવાળા પ્લૅટફૉર્મ પર ચાલવા કરતાં એ એલિવેટેડ ડેક પર ચાલવાનું પસંદ કરતા હોવાથી પ્લૅટફૉર્મ પર ખાસ કરીને પીક અવર્સમાં એના કારણે ઘણી રાહત રહે છે. પ્રવાસીઓને ટ્રેનમાં ચડવા-ઊતરવાની આસાની રહે છે.