Elphinstone Bridge: આવતી કાલથી એલ્ફિન્સ્ટન બ્રિજ પરિવહન માટે બંધ! આ રહી વૈકલ્પિક રસ્તાઓની યાદી

24 April, 2025 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Elphinstone Bridge શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવનાર છે. મુંબઈ ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની યાદી આપી છે.

એલ્ફિન્સ્ટન બ્રિજની ફાઇલ તસવીર

મુંબઈના એલ્ફિન્સ્ટન બ્રિજ (Elphinstone Bridge)ને લઈને હવે મહત્વના અપડેટ સામે આવ્યા છે. પોલીસ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે કે ૨૫મી એપ્રિલ એટલે કે આવતીકાલથી આ બ્રિજ પરિવહન માટે બંધ કરી દેવામાં આવનાર છે. પરેલ અને પ્રભાદેવીને પૂર્વથી પશ્ચિમ સાથે જોડનાર આ બ્રિજ હવે તોડવામાં આવશે. એલ્ફિન્સ્ટન બ્રિજ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવનાર છે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ સંબંધમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

Elphinstone Bridge: એક અધિકારીએ આ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, "8 એપ્રિલના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ નોટિફિકેશન પર નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નાગરિકો તરફથી મળેલા પ્રતિસાદ અને સૂચનોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને અંતિમ ટ્રાફિક વ્યવસ્થાપન આદેશમાં જ્યાં પણ યોગ્ય હોય ત્યાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે."

ઇમરજન્સી માટે બે એમ્બ્યુલન્સની સુવિધા કરાઇ છે

Elphinstone Bridge: મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ પરેલ અને પ્રભાદેવી વિસ્તારના રહેવાસીઓને આ બ્રિજ બંધ થયા બાદ ઇમરજન્સી માટે હોસ્પિટલ જવા બે એમ્બ્યુલન્સની સુવિધા કરી આપી છે. એક એમ્બ્યુલન્સ પ્રભાદેવી રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે ફૂટબ્રિજ પર અને બીજી પરેલ રેલવે સ્ટેશન પૂર્વ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એમ્બ્યુલન્સની સાથે દર્દીઓ માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આવતી કાલથી ટ્રાફિક વ્યવસ્થાપન સંબંધિત જે ફેરફારો થવાના છે, તે આ પ્રમાણે છે:

પૂર્વથી પશ્ચિમ તરફ વાહનવ્યવહાર માટે-

1) દાદર પૂર્વથી દાદર પશ્ચિમ અને દાદર માર્કેટ જતાં વાહનો તિલક બ્રિજથી જઈ શકે છે.

2) પરેલ પૂર્વથી પ્રભાદેવી અને લોઅર પરેલ જતાં વાહનો કરી રોડ બ્રિજનો ઉપયોગ કરી શકે છે (સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી)

3) પરેલ અને ભાયખલા પૂર્વથી પ્રભાદેવી, વર્લી, કોસ્ટલ રોડ અને સી લિંક તરફ જતાં વાહનો ચિંચપોકલી બ્રિજનો ઉપયોગ કરી શકે છે.

પશ્ચિમથી પૂર્વ તરફ વાહનવ્યવહાર માટે- 

1) દાદર પશ્ચિમથી દાદર પૂર્વ તરફ જતાં વાહનો તિલક બ્રિજનો ઉપયોગ કરી શકે છે.

2) પ્રભાદેવી અને લોઅર પરેલથી પરેલ, ટાટા હોસ્પિટલ અને કેઈએમ હોસ્પિટલ તરફ આવતાં વાહનો કરી રોડ બ્રિજનો ઉપયોગ કરી શકે છે (બપોરે 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી)

3) કોસ્ટલ રોડ, સી લિંક, પ્રભાદેવી અને વર્લીથી પરેલ, ભાયખલા પૂર્વ તરફ જતાં વાહનો ચિંચપોકલી પુલનો ઉપયોગ કરી શકે છે.

Elphinstone Bridge: આ સમયગાળા દરિમયાન કરી રોડ બ્રિજ પર પણ ખાસ ટ્રાફિક   વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે ૭ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી ટ્રાફિક એક દિશામાં (ભારત માતા જંકશન તરફ) રહેશે. બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ટ્રાફિક બીજી દિશામાં રહેશે. રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી બંને દિશામાં ટ્રાફિક સામાન્ય રહેશે.

mumbai news mumbai elphinstone road mumbai traffic mumbai traffic police parel prabhadevi