12 May, 2025 07:50 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
શહીદ અગ્નિવીર મુરલી નાઈકના પાર્થિવ દેહને આંધ્ર પ્રદેશના તેમના પૈતૃક ગામ કલ્લિથંડા લાવવામાં આવ્યો ત્યારે આક્રંદ કરી રહેલા પરિવારજનોને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પવન કલ્યાણે સાંત્વના આપી હતી.
ઑપરેશન સિંદૂર હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર શહીદ થયેલા ત્રેવીસ વર્ષના અગ્નિવીર મુરલી નાઈકનો પાર્થિવ દેહ ગઈ કાલે આંધ્ર પ્રદેશમાં તેના પૈતૃક ગામ કલ્લિથંડા પહોંચ્યો હતો અને આ શહીદને અશ્રુસભર આંખે અને સંપૂર્ણ સન્માન સાથે આખરી વિદાય આપવામાં આવી હતી તેની છેલ્લી ઇચ્છા મુજબ તેના મૃતદેહને તિરંગામાં વિંટાળવામાં આવ્યો હતો. ભારે વરસાદના વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, મુરલી તેરા નામ રહેગા’ના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આંધ્ર પ્રદેશના શિક્ષણપ્રધાન નારા લોકેશે મુરલી નાઈકનાં માતા પિતાને મળીને તેમને સાંત્વના આપી હતી. આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ સહિત અનેક રાજકીય નેતાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મુરલીના પાર્થિવ દેહને જમ્મુ માર્ગે નવી દિલ્હી અને ત્યાંથી બૅન્ગલોર મોકલવામાં આવ્યો હતો. બૅન્ગલોર ઍરપોર્ટ પર સશસ્ત્ર દળના જવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદને અંજલિ આપવા માટે રસ્તાની બેઉ બાજુએ લોકો હાથમાં ફૂલોની માળા લઈને ઊભા રહ્યા હતા. પાર્થિવ દેહ ધરાવતું વાહન પસાર થયું ત્યારે લોકોએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મુરલી નાઈક અમર રહે’ના નારા લગાવ્યા હતા. આ વાહનને થોડી વાર માટે રોકવામાં આવ્યું હતું જેથી લોકો અંતિમ દર્શન કરી શકે.
૨૦૦૨ની ૮ એપ્રિલે જન્મેલા મુરલીને સ્કૂલના દિવસોથી જ સેનામાં ભરતી થવું હતું. ૨૦૨૨ના ડિસેમ્બરમાં અગ્નિપથ યોજના હેઠળ તે સેનામાં ૨૦ વર્ષની ઉંમરે ભરતી થયો હતો. તેનાં માતા-પિતા રામ અને જ્યોતિબાઈ મુંબઈમાં ઘાટકોપરમાં મજૂર તરીકે કામ કરે છે. એકનો એક નાશિકમાં છ મહિનાની તેણે ટ્રેઇનિંગ લીધી હતી. એક વર્ષ તે આસામ અને પછી પંજાબમાં કાર્યરત હતો.
પરિવારને મળશે ૧.૬૫ કરોડ રૂપિયા
અગ્નિવીર મુરલી નાઈકની વીરતાનું સન્માન કરતાં સરકારે તેના પરિવારને ૧.૬૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.