20 July, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સંતાનોના ચકલા સ્ટ્રીટમાં આવેલા ગાંધી ભવનમાં આગ લાગ્યાના એક મહિના બાદની સ્થિતિ. પ્રકાશ બાંભરોલિયા
દક્ષિણ મુંબઈના ભીંડીબજારની ચકલા સ્ટ્રીટમાં કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગના ચોથા માળે રહેતાં એક સમયના જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સિનિયર સિટિઝન સંતાનોના ઘરમાં લાગેલી આગને એક મહિનો થયો છે. આ આગમાં ઘર અને અંદરનો સામાન બળીને ખાખ થઈ ગયાં હતાં અને એમાં રહેતી ચાર વ્યક્તિઓ બેઘર થઈ ગઈ હતી. આ જાણ થયા બાદ મહારાષ્ટ્ર રાજ્યના કૅબિનેટ પ્રધાન અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢા સહિતના જૈનોએ કેટલીક મદદ કરી હતી જેથી ઘરની છત પર પ્લાસ્ટિક અને બામ્બુ બાંધવામાં આવ્યાં છે, પણ આગમાં ખાખ થઈ ગયેલો સામાન ઉતારવામાં આર્થિક મુશ્કેલીને લીધે મોડું થઈ રહ્યું છે. આથી આગની ઘટનાના એક મહિના બાદ પણ સિનિયર સિટિઝન ભાઈ-બહેનો ધર્મશાળામાં રાત વિતાવે છે અને તેમણે દિવસ રસ્તા પર ગુજારવો પડી રહ્યો છે. ઘર ફરીથી બાંધવા માટે ૧૦થી ૧૫ લાખ રૂપિયાની જરૂર છે, પરંતુ પોતાની પાસે હતું એ બધું આગમાં ખાખ થઈ ગયું છે એટલે મુશ્કેલી થઈ રહી છે.
એક સમયના જૈન શ્રેષ્ઠી સદ્ગત હરખચંદ ગાંધીના પુત્ર પ્રકાશ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગલ પ્રભાત લોઢા અને કેટલાક જૈન શ્રાવકોની મદદથી વરસાદથી બચવા માટે પ્લાસ્ટિક બાંધી શકાયું છે. આગમાં સળગી ગયેલી વસ્તુઓ નીચે ઉતારવા માટે ૪૦,૦૦૦થી વધુ રૂપિયાનો અત્યાર સુધી ખર્ચ થઈ ચૂક્યો છે. હજી કબાટ સહિતનો સામાન ઉપર જ છે જે પૈસાની વ્યવસ્થા થાય છે એમ અમે નીચે ઉતારીને નિકાલ કરી રહ્યા છીએ. મોટા ભાઈ અને ભાભી તેમના નજીકના બિલ્ડિંગમાં રહેતા પુત્ર સાથે ઍડ્જસ્ટ થઈ રહ્યાં છે, પણ હું અને સરલાબહેન ધર્મશાળામાં રહીએ છીએ. ખાવા-પીવાની કોઈ મુશ્કેલી નથી, પણ નવેસરથી ઘર બનાવવા માટે ૧૦થી ૧૫ લાખ રૂપિયાની જરૂર છે એની ચિંતા છે. આ સિવાય મ્હાડાના અધિકારીઓ બાંધકામ કરવા માટેની પરમિશન માટે અત્યારે પરેશાન કરી રહ્યા છે. નીચેના દુકાનદારો પણ કોઈ ને કોઈ રીતે અમે અમારું ઘર તેમને પાણીના ભાવે આપી દઈએ એવી રીતે અડચણ ઊભી કરી રહ્યા છે.’
હરખચંદ ગાંધીના પુત્ર પ્રકાશ અને પુત્રી સરલા ગાંધીએ લગ્ન નથી કર્યાં. સરલાબહેન પાઠશાળામાં જૈન બાળકોને ધર્મનું શિક્ષણ આપે છે તો પ્રકાશ ગાંધી જ્યોતિષી છે એટલે જન્મકુંડળી બનાવવા જેવું કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. આ સિવાય તેમની પાસે આવકનો કોઈ સ્રોત નથી. તેમના મોટા ભાઈ બિપિનભાઈ અને ભાભી તરુણાબહેનની સ્થિતિ પણ બહુ સારી નથી. તેમના એક ભાઈ મહુવામાં રહે છે. આ ભાઈ-બહેનોના પિતા હરખચંદ અને દાદા વીરચંદ ગાંધીએ દેરાસરોની પ્રાણપ્રતિષ્ઠા કરાવવાની સાથે ઉપાશ્રય બનાવ્યા છે ત્યારે તેમનાં સંતાનોની આગ લાગવાની એક ઘટનાથી આવી સ્થિતિ થઈ છે.