19 January, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૮૯ અને શિવસેનાએ ૨૯ બેઠકો જીતતાં તેમની યુતિને બહુમત મળ્યો છે. એમ છતાં જ્યાં સુધી સત્તાવાર રીતે સત્તા બને નહીં ત્યાં સુધી સસ્પેન્સ રહેવાનું છે. એમાં પણ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે મુંબઈમાં મેયર BJPનો ન જ થવો જોઈએ એવી બધાની ઇચ્છા છે. સંજય રાઉતે મેયર તો શિવસેનાનો જ થવો જોઈએ એવી બધાની ઇચ્છા છે એવો મમરો મૂકતાં મુંબઈનું રાજકારણ ગરમાયું છે અને એ પણ એવા સમયે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપવા ગયા છે. એકનાથ શિંદેએ તેમના જીતી આવેલા બધા જ નગરસેવકોને તેઓ પક્ષપલટો ન કરે એ માટે બાંદરાની હોટેલમાં એકસાથે રાખ્યા છે.
મુંબઈમાં BJPનો મેયર ન થવો જોઈએ એવી બધાની ઇચ્છા છે અને એવું નક્કી થયું છે એમ જણાવીને સંજય રાઉતે ગઈ કાલે પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે ‘એકનાથ શિંદે કયા પદ માટે આગ્રહ કરે છે એ તેમનો પ્રશ્ન છે. તેમનો પક્ષ BJPનું અંગવસ્ત્ર છે, અમિત શાહ તેમના પ્રમુખ. તે તેમની પાસે જઈને માગણી કરશે, પણ દેવેન્દ્ર ફડણવીસ તેમનું નહીં સાંભળે એવી મારી પાસે માહિતી છે. એકનાથ શિંદેએ તેમના નગરસેવકોને બંધ કરીને રાખ્યા છે. જેણે શિવસેનાના વિધાનસભ્યોને ફોડ્યા તેણે હવે નગરસેવકોને પૂરી રાખવા પડે છે.’
એકનાથ શિંદે પોતે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે એમ છતાં તેમને ડર લાગે છે કે તેમના નગરસેવકોને ફોડવામાં આવશે એમ જણાવીને સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘BJPનો મેયર ન બને એમ બધાએ નક્કી કર્યું છે. એકનાથ શિંદે પાસે જે નગરસેવકો છે એમાં ઘણા નવા ચહેરા છે. એમાં પાછા એ બધા શિવસૈનિકો જ છે. તેમને પણ લાગે છે કે BJPનો મેયર ન બનવો જોઈએ. તેમના મનમાં પણ મરાઠીની મશાલ ધગધગે છે. તેમને ગમે એટલા પૂરી રાખવામાં આવે તો પણ સંપર્કના અનેક રસ્તા છે. સંદેશો કોઈ પણ રીતે મોકલી શકાય છે. જે શિવસૈનિક હોય તેના મનમાં મુંબઈ માટે અલગ ભાવના હોય છે. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની ફોન પર વાતચીત થઈ છે. પડદા પાછળ બહુબધી બાબતો બનતી હોય છે. બહુમત કેટલો પણ હોય, એ ચંચળ હોય છે. અહીંથી ત્યાં જતો રહે છે. બાળાસાહેબના જન્મશતાબ્દી વર્ષે BJPનો મેયર બને એવું કોઈને પણ ન ગમે. વિચારો માટે બળવો કરવાનો અધિકાર ફક્ત એકનાથ શિંદેને જ નથી.’