19 July, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટનલ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શનિવારે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. મહારાષ્ટ્રમાં થાણે ક્રીકની નીચેથી પસાર થતી દેશની પ્રથમ અન્ડર-સી એટલે કે દરિયાની નીચેની રેલ ટનલના નિર્માણ માટે પાયાની કામગીરી વેગવંતી બની છે અને શનિવારે બીજા વિશાળકાય ટનલ બોરિંગ મશીન (TBM)એ પણ ખોદકામની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ બીજા ટનલ બોરિંગ મશીને ઘણસોલીથી વિક્રોલી તરફ ખોદકામ માટે પોતાની સફર શરૂ કરી દીધી છે. આ આખો અન્ડરગ્રાઉન્ડ પટ્ટો ૧૦ કિલોમીટર લાંબો છે જેમાંથી સૌથી જટિલ અને પડકારજનક ૭ કિલોમીટરનો હિસ્સો થાણે ખાડીના દરિયાઈ તળિયાની નીચે બનાવવામાં આવશે. ભારતના ઇતિહાસમાં કોઈ પણ રેલ કૉરિડોર માટે દરિયાની નીચે આ પ્રકારની ટનલ બની રહી હોય અેવી આ પ્રથમ ઘટના છે.
આ હાઈ-સ્પીડ રેલ કૉરિડોર અંતર્ગત કુલ ૨૧ કિલોમીટર લાંબું અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણસોલી અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચેના ૧૬ કિલોમીટરના ગાળાનું ખોદકામ TBMની મદદથી કરવામાં આવી રહ્યું છે. બાકીના પાંચ કિલોમીટરના ટનલ વિભાગનું કામ ન્યુ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરીને પહેલેથી જ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું પ્રથમ ટનલ બોરિંગ મશીન ગઈ પાંચમી જુલાઈએ વિક્રોલીથી BKC તરફના ૬ કિલોમીટરના ખોદકામ માટે કાર્યરત કરી દેવાયું હતું.