મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇકની ચોરી મુંબઈમાં કરીને વેચાણ રાજસ્થાનમાં

23 October, 2021 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી પોલીસે એક આરોપીની જોધપુર જઈને કરી ધરપકડ, તેના સાથીઓને શોધવામાં આવી રહ્યા છે

પોલીસે રાજસ્થાનથી પકડી પાડેલો એક આરોપી અને કેટીએમ બાઇક.

કાંદિવલી પોલીસે એક એવા ચોરને પકડ્યો છે જે મુંબઈના હાR-પ્રોફાઇલ પરિસરમાંથી કેટીએમની સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતો હતો અને પોતાના સાથીદારો સાથે મળીને એને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં જઈને વેચી દેતો હતો. પોલીસને મુંબઈથી ચોરી થયેલી બાઇક રાજસ્થાનથી મળી આવી હતી.
 કાંદિવલી પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ આરોપીએ ઝોન-૧૧માં કાંદિવલી, ચારકોપ, ગોરેગામમાં ચાર બાઇક ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ ચતુરાઈથી બાઇક ચોરીને એને મુંબઈથી બાય રોડ રાજસ્થાન સુધી લઈ જતા હતા. ચોરો ફક્ત સ્પોર્ટ્સ બાઇક જ ચોરતા હતા જેની કિંમત અઢીથી ત્રણ લાખ રૂપિયાની છે. અમને આ વિશે ફરિયાદ મળતાં તપાસ હાથ ધરી હતી અને અમારી એક ટીમ રાજસ્થાન જઈને એક આરોપી સાથે કેટીએમ બાઇક પણ જપ્ત કરી હતી. પોલીસે લોકેશ રામેશ્વર નામના આરોપીને જોધપુરથી પકડી પાડ્યો હતો. તે ત્યાંનો જ રહેવાસી છે. આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે કે કેમ એ તપાસ કરવામાં આવી છે. આ ચોરીમાં આરોપીના સાથીદારો પણ સામેલ છે. અમે તેમની શોધ હાથ ધરી છે.’

Mumbai mumbai news