AC લોકલ ટ્રેનમાં નકલી RPF જવાન ઝડપાયો

10 June, 2026 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેનમાં મફત મુસાફરી કરવા રેલવે પ્રોટેક્શન ફોર્સનું બોગસ આઇકાર્ડ બનાવ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નો બનાવટી જવાન બનીને છેલ્લા ચાર મહિનાથી મફત મુસાફરી કરતા ૨૩ વર્ષના મંગલ ખાનની લોકમાન્ય તિલક રેલવે-સ્ટેશનની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સોમવારે સાંજે ધરપકડ કરી હતી. સોમવારે સાંજે માનખુર્દથી વડાલા રોડ વચ્ચે AC લોકલ ટ્રેનમાં ફરજ પરનાં હેડ ટિકિટ ચેકર (TC) કેતકી કદમે એક પ્રવાસી પાસે ટિકિટ માગી ત્યારે તેણે ગોરેગામ RPF-સ્ટાફમાં હોવાનું જણાવ્યું હતું અને તેના પૅન્ટ પર પણ RPF લખેલું પાઉચ હતું. જોકે એ વખતે શંકા જતાં મહિલા TCએ અન્ય રેલવે-સ્ટાફ અને ઑન ડ્યુટી મહિલા RPF સાથે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ભારત સરકારના લોગોવાળું મોહમ્મદ મલંગ ખાન નામનું કૉન્સ્ટેબલનું બનાવટી આઇકાર્ડ બતાવ્યું હતું. તેની પાસે રેલવેની સત્તાવાર ઍપ કે કોઈ પાસ ન મળતાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે તેને GRPને સોંપવામાં આવ્યો હતો.

લોકમાન્ય તિલક રેલવે-સ્ટેશનના GRPના એક સિનિયર અધિકારીએ

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી AC ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો એ દરમ્યાન તેને ટિકિટ વિશે પૂછતાં તેણે સ્ટાફ હોવાનું કહીને મહિલા TCને યોગ્ય જવાબ આપ્યો નહોતો. એના પરથી શંકા જતાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. વડાલા રોડ સ્ટેશન પર ટ્રેન આવતાં TCની સૂચના મુજબ વડાલા RPF-સ્ટાફની મદદથી આરોપીને તાત્કાલિક નીચે ઉતારીને ચોકીમાં લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આરોપીએ પોતાનું સાચું નામ મલંગ કરીમ ખાન અને તે ધારાવીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.’

mumbai news mumbai mumbai local train AC Local mumbai trains