✕

સાહિલ વાકોડેને ન્યાય અપાવવા આઝાદ મેદાનમાં પરિવારજનોનું ધરણા-પ્રદર્શન

29 September, 2026 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IIT-બૉમ્બેમાં દીકરા સાથે થયેલા જ્ઞાતિઆધારિત ભેદભાવના મુદ્દે કડક કાર્યવાહી કરવાની માગણી

સોમવારે આઝાદ મેદાનમાં સાહિલ વાકોડેના ફોટો સાથે ધરણાં પર બેઠેલાં તેનાં મમ્મી-પપ્પા. તસવીર : આશિષ રાજે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેમાં ૧૦ દિવસ પહેલાં કથિત રીતે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી સાહિલ વાકોડેના પપ્પાએ પુત્રના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે સોમવારે આઝાદ મેદાનમાં ધરણાં શરૂ કર્યાં છે.
સાહિલના પપ્પા રવીન્દ્ર વાકોડેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના પુત્રને ન્યાય નહીં મળે અને જવાબદારોને સજા નહીં થાય ત્યાં સુધી તેઓ આ આંદોલન ચાલુ રાખશે. સાહિલના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દેશની આ પ્રતિષ્ઠિત સંસ્થામાં તેની સામે જ્ઞાતિ-આધારિત ભેદભાવ રાખવામાં આવતો હતો.
રવીન્દ્ર વાકોડેએ રવિવારે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને ધરપકડની પણ કોઈ પરવા નથી. મારા પુત્રને બંધારણીય રીતે ન્યાય મળવો જોઈએ.’
આ અગાઉ સાહિલના પરિવારે ગુરુવારે આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ત્યાર બાદ રવીન્દ્ર વાકોડે તથા તેમની પત્ની સોનાલીએ સોમવારથી ફરી ધરણાં શરૂ કર્યાં છે.

IIT-બૉમ્બે કૅમ્પસમાં વિદ્યાર્થીઓ પણ બેઠા ધરણા પર
શુક્રવારે રાત્રે IIT-બૉમ્બેના વિદ્યાર્થીઓએ કૅન્ડલમાર્ચ કાઢીને તપાસસમિતિની પુનઃ રચના કરવાની માગણી કરી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પૅનલના કેટલાક સભ્યોએ પ્રોફેસર ડૂલ્લાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. વિદ્યાર્થીઓનો એક વર્ગ કૅમ્પસમાં શાંતિપૂર્ણ રીતે ધરણાં ચાલુ રાખી રહ્યો છે. આ વિરોધસ્થળને ‘જસ્ટિસ કૉર્નર’ નામ આપવામાં આવ્યું છે, જ્યાં શનિવારથી આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે.

mumbai news mumbai iit bombay suicide mumbai police azad maidan