09 July, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજીવ દેઢિયા.
કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૫૩ વર્ષના રાજીવ દેઢિયાનું ગઈ કાલે વહેલી સવારે ૩.૧૫ વાગ્યે અવસાન થયું હતું. તેમની અંતિમ ઇચ્છા અનુસાર પરિવારજનોએ તેમનો દેહ પનવેલની મહાત્મા ગાંધી મિશન (MGM) હૉસ્પિટલમાં દાન કરીને માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
દેહદાન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વર્ષો જૂની હતી. ૨૦૦૯માં તેમના પિતા વસંતલાલ દેઢિયા બીમાર પડ્યા ત્યારે તેમણે પણ તેમના પરિવાર સમક્ષ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે એ સમયે સંજોગવશ માત્ર નેત્રદાન જ શક્ય બન્યું હતું. ત્યાર બાદ સમગ્ર પરિવારે દેહદાનના સંકલ્પને જીવનમૂલ્ય તરીકે સ્વીકાર્યો હતો. એના અનુસંધાનમાં ૨૦૨૫ના જૂન મહિનામાં રાજીવભાઈનાં ૬૭ વર્ષનાં માતુશ્રી હેમલતાબહેનના અવસાન બાદ પણ પરિવારજનોએ તેમનું પનવેલની MGM હૉસ્પિટલમાં દેહદાન કર્યું હતું.
આ બાબતની માહિતી આપતાં રાજીવ દેઢિયાના પુત્ર અપૂર્વએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પા છેલ્લાં ઘણાં વર્ષોથી કિડનીની ગંભીર સમસ્યાથી પીડાતા હતા. તેમને ૨૦૦૮માં પ્રથમ વખત કિડનીની તકલીફ શરૂ થઈ હતી. સારવાર બાદ તેમની તબિયત સ્થિર રહી હતી, પરંતુ આશરે એક મહિના પહેલાં ફરી તબિયત બગડતાં તેમને અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સતત સારવાર છતાં તેમની તબિયત વધુ ગંભીર બનતી ગઈ અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’
દવાના મૅન્યુફૅક્ચરર અપૂર્વ દેઢિયાએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘પપ્પા સમાજમાં ઑર્ગન ડોનેશન અને દેહદાન વિશે સતત જાગૃતિ ફેલાવતા હતા. તેમના પ્રોત્સાહનથી અનેક પરિવારો પોતાના સ્વજનોના અવસાન બાદ દેહદાન અને અંગદાન જેવાં સેવાકાર્યો માટે આગળ આવ્યા હતા. પપ્પાએ પણ ૨૦૦૯થી જ પરિવાર સમક્ષ પોતાના અવસાન બાદ દેહદાન કરવાની સ્પષ્ટ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના અવસાન બાદ પરિવારજનોએ તેમની ૧૭ વર્ષ જૂની આ અંતિમ ઇચ્છાને માન આપીને દેહદાન કર્યું હતું જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.’