દિવાળીની કરી અનોખી ઉજવણી

26 October, 2022 09:30 AM IST  |  Mumbai | Rohit Parikh

ત્રણ જિંદગીને આપ્યું જીવતદાન: સ્થાનિકવાસી જૈનની ઑર્ગન્સ ડોનેટ કરવાની ઇચ્છા કરી પરિવારજનોએ પૂરી : બે કિડની, લિવર અને ચામડીનું દાન કરીને ત્રણ પરિવારોના સ્વજનોમાં કર્યો દિવાળીની રોશનીનો ઝળહળાટ

પ્રદીપ ગાંધી

કાંજુરમાર્ગમાં રહેતા ૬૬ વર્ષના બિઝનેસમૅન પ્રદીપ ગાંધીની વર્ષોથી ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ તેમના દેહનું દાન કરવામાં આવે. પ્રદીપ ગાંધીની આ ઇચ્છા તો અમુક કારણોસર તેમનો પરિવાર પૂરી કરી શક્યો નહોતો, પરંતુ તેમના બે દીકરા અને પત્નીએ તેમની બે કિડની, લિવર અને ચામડીનું પ્રદીપભાઈના મૃત્યુ બાદ દાન કરીને ત્રણ પરિવારોના સ્વજનોને નવી જિંદગી આપીને દિવાળીના તહેવારોમાં રોશનીનો ઝળહળાટ કર્યો હતો.

સ્થાનકવાસી જૈન ધર્મિષ્ઠ પ્રદીપ ગાંધી હંમેશાં તેમનાં સંતાનોને અને પરિવારને શીખ આપતા હતા કે આપણે જેટલું સમાજ પાસેથી મેળવીએ છીએ એનાથી વધુ સમાજને પાછું આપવાની ક્ષમતા રાખવી જોઈએ. તેઓ ફક્ત શીખ આપતા નહોતા, તેમના જીવનમાં તેમણે આ સિદ્ધાંતને વણી લીધો હતો. વર્ષો પહેલાં તેઓ એક ધાર્મિક ફંક્શનમાં ગયા હતા. ત્યાં ચાલી રહેલા દેહદાન અને ઑર્ગન્સ ડોનેશનના સેમિનારમાં પ્રદીપભાઈએ તેમના મૃત્યુ બાદ દેહદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી.

લોનાવલામાં ઇલેક્ટ્રૉનિક્સનો બિઝનેસ કરતા પ્રદીપ ગાંધી શનિવારે સાંજે મગજના અંદરના ભાગમાં બ્લીડિંગ થતું હોવાથી બેભાન થઈ જતાં તેમને પવઈની હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના પરિવારને કહ્યું હતું કે અમે તેમની સર્જરી કરીને પણ બચાવી શકીએ એમ નથી. તેમના ૩૧ વર્ષના નાના પુત્ર પ્રણિત ગાંધીએ આ બાબતની માહિતી તેની ૫૮ વર્ષની મમ્મી જયશ્રીબહેનને આપી હતી. જોકે જ્યાં સુધી પ્રદીપભાઈનો મોટો પુત્ર ૩૫ વર્ષનો દેવાંગ અમેરિકાથી મુંબઈ પહોંચે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રક્રિયા કરવાની માતા અને પુત્રની ઇચ્છા નહોતી.

આ બાબતની માહિતી આપતાં પ્રણિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મમ્મીને  મેં હવે પપ્પાની બચવાની કોઈ જ શક્યતા નથી એવા સમાચાર આપ્યા ત્યારે મારી મમ્મીએ અમે બંને પુત્રોને કહ્યું કે તારા પપ્પા ધર્મમય હતા. તેઓ હંમેશાં સમાજનું ઋણ અદા કરવા માટે આપણને સૌને પ્રતિબોધ કરતા હતા. તેમણે એક ધાર્મિક ફંક્શનમાં તેમના દેહદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી આપણે શક્ય હોય તો તેમની અંતિમ ઇચ્છા પૂરી કરીએ. જોકે અમારા માટે અમુક કારણોસર આ શક્ય બન્યું નહોતું.  રવિવારે ડૉક્ટરોએ પપ્પાને બ્રેઇન ડેડ જાહેર કર્યા પછી અમારે દેવાંગની રાહ જોવાની હતી. દેવાંગ આવ્યા પછી સોમવારે ડૉક્ટરોએ પપ્પાની બે કિડની અને લિવરને અન્ય જરૂરિયાતમંદ દરદીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં  તેમ જ પપ્પાની ત્વચા પણ દાન કરવા માટે કાઢી લીધી હતી.’

આખી ડોનેશનની પ્રક્રિયાના સંદર્ભમાં હીરાનંદાની હૉસ્પિટલનાં પ્રવક્તા ડૉક્ટર અર્પિતા દ્વિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પહેલી વાર એવા પરિવારને મળી જેણે સામેથી સ્વૈચ્છિક રીતે તેમના સ્વજનનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની તૈયારી બતાવી હતી. અમે તપાસ કરતાં ખબર પડી કે પ્રદીપભાઈનાં હાર્ટ અને લન્ગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવાને લાયક નહોતાં. અમે તેમની એક કિડની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના એક દરદીને મોકલી દીધી હતી. આ દરદીને તેની પત્ની કિડની ડોનેટ કરવા તૈયાર હતી, પરંતુ તેના પતિ સાથે તેનું બ્લડ મૅચ થતું ન હોવાથી તેને પ્રદીપભાઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બીજી કિડની અમારી જ હૉસ્પિટલની ૩૯ વર્ષની મહિલાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આ મહિલાને ૨૦૧૨માં તેની માતા દાતા હોવા છતાં પ્રથમ વખત રેનલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે ૨૦૧૯માં તેને આ રોગમાંથી મુક્તિ મળી હતી અને ત્યારથી તે ડાયાલિસિસ કરાવી રહી હતી.  આ મહિલામાં પ્રદીપભાઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પ્રદીપભાઈનું લિવર અમારી જ હૉસ્પિટલમાં છ મહિનાથી લિવર સૉરાયસિસના ૩૭ વર્ષના પુરુષ દરદીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.’

ડૉ. અર્પિતા દ્વિવેદીએ વધુમાં કહ્યું હતું કે ‘પ્રદીપભાઈની ત્વચાને નવી મુંબઈમાં આવેલા નૅશનલ બર્ન્સ સેન્ટરમાં દાન કરવામાં આવી હતી. જે પરિવારોના સ્વજનોને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે તેમનામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ હવે ક્વૉલિટી લાઇફ જીવી શકશે તેમ જ તેમને મેડિકલના મોટા બિલમાંથી પણ છુટકારો મળશે.’

mumbai mumbai news kanjurmarg rohit parikh