✕

સેન્ટ્રલ રેલવેમાં સોમવારે ભાંડુપમાં જીવ ગુમાવનારા યુવાનના પરિવારે વળતર માગ્યું

28 October, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારનો આરોપ છે કે રેલવે-સેવા ખોરવાઈ ગઈ એ તેના મૃત્યુનું એક કારણ બન્યું હતું.

સાહિલ થિટે

સિગ્નલિંગમાં ગંભીર ખામી સર્જાવાને કારણે સેન્ટ્રલ રેલવેની સર્વિસિસ સોમવારે ઘણા કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી. ભાંડુપમાં રેલવે-ટ્રૅક ઓળંગતી વખતે સોમવારે મૃત્યુ પામેલા કૉલેજના ૨૧ વર્ષના વિદ્યાર્થીના પરિવારે રેલવે પાસે વળતરની માગણી કરી છે. પરિવારનો આરોપ છે કે રેલવે-સેવા ખોરવાઈ ગઈ એ તેના મૃત્યુનું એક કારણ બન્યું હતું.
રત્નમ કૉલેજમાં બૅચલર ઑફ કૉમર્સ (BCom)ના લાસ્ટ યરમાં ભણતા સાહિલ થિટેને સોમવારે સાંજે ભાંડુપ સ્ટેશન પર કલ્યાણ તરફ જતી એક ફાસ્ટ લોકલ ટ્રેને ટક્કર મારી હતી. પરિવારના જણાવ્યા અનુસાર રેલવેની સર્વિ‌‌‌સિસ ખોરવાઈ જવાને કારણે તે ફાસ્ટ લોકલમાં ભાંડુપ તરફ જઈ શક્યો નહોતો એટલે તે બીજી (સ્લો) ટ્રેન પકડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. સાહિલ પ્લૅટફૉર્મ પર ચડી રહ્યો હતો ત્યારે ત્યાં આવી રહેલી એક ટ્રેન સાથે તેની બૅગ ભરાઈ ગઈ, જેને કારણે તે નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થયું. 

બે સગા ભાઈના મોતથી પરિવારનો આધાર તૂટ્યો
સેન્ટ્રલ રેલવેમાં સોમવારે બનેલી અન્ય એક ઘટનામાં ૩૯ વર્ષના ખરબાન રાજભર અને તેના પચીસ વર્ષના ભાઈ રાહુલ રાજભરનું ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ટ્રૅક પર મૃત્યુ થયું હતું. બન્ને ભાઈઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને થાણેમાં રહેતા હતા. ખરબાન પરિણીત હતો. તેને ૪ બાળકો છે, જ્યારે રાહુલ અપરિણીત હતો. બન્ને લેબરનું કામ કરતા હતા. કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના જણાવ્યા મુજબ સાંજે ૪ વાગ્યે કલ્યાણ જતી ફાસ્ટ લોકલની અડફેટે આવતા બન્નેનાં મોત થયાં હતાં. 

mumbai news mumbai central railway mumbai local train