20 December, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણના બાઝારગેટ પોલીસ-સ્ટેશનમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેમાં સસરાએ જમાઈ પર અજીબ કારણસર ઍસિડ ફેંક્યો છે. અત્યારે ઘાયલ જમાઈને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ઍસિડથી હુમલો કરનાર સસરો પોલીસની ધરપકડથી બચવા નાસતો ફરી રહ્યો છે.
આ કેસમાં ૨૯ વર્ષના ઇબાદ ફાળકેનાં લગ્ન ૬૫ વર્ષના ગુલામ મુર્તુઝાની દીકરી સાથે થયાં હતાં. ઇબાદની ઇચ્છા હતી કે તે તેની પત્ની સાથે કાશ્મીરમાં હનીમૂન મનાવવા જાય, પણ તેના સસરા ગુલામ મુર્તુઝાની ઇચ્છા હતી કે તે બન્ને વિદેશમાં ધાર્મિક સ્થળે યાત્રા કરવા જાય. એથી તેમની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. બુધવારે ઇબાદ કામ પરથી મોડી રાતે ઘરે પાછો ફર્યો હતો. પોતાની ગાડી પાર્ક કરીને તે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગુલામ મુર્તુઝાએ તેના પર ઍસિડ ફેંક્યો હતો અને નાસી ગયા હતા. ઍસિડને કારણે ઇબાદનો ચહેરો અને શરીરના અન્ય ભાગ દાઝી ગયા છે.