✕

રક્તદાતાઓને ટાઇટન ઘડિયાળ ભેટ આપવાનું પડ્યું ભારે : FDA દ્વારા ૩ બ્લડ-બૅન્કનાં લાઇસન્સ સસ્પેન્ડ

15 October, 2026 08:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યંગ સ્ટાર કમિટીએ એપ્રિલ ૨૦૨૬માં આયોજિત રક્તદાન કૅમ્પમાં રક્તદાતાઓને ટાઇટન કંપનીની ઘડિયાળો ભેટ તરીકે આપવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

તુકારામ મુંઢે (ફાઇલ તસવીર)

રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને આકર્ષવા માટે મોંઘી ભેટ-સોગાદો આપવાના મામલે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈની ૩ જાણીતી બ્લડ-બૅન્કો સામે કડક કાર્યવાહી કરી છે. નૅશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (NBTC)ના માર્ગદર્શક સિદ્ધાંતો અને ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ રૂલ્સના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી, સર જે. જે. હૉસ્પિટલ બ્લડ સેન્ટર અને બી.વાય.એલ. નાયર ચૅરિટેબલ હૉસ્પિટલ બ્લડ સેન્ટરનાં લાઇસન્સ ચોક્કસ સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. યંગ સ્ટાર કમિટીએ એપ્રિલ ૨૦૨૬માં આયોજિત રક્તદાન કૅમ્પમાં રક્તદાતાઓને ટાઇટન કંપનીની ઘડિયાળો ભેટ તરીકે આપવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
FDA દ્વારા હાથ ધરાયેલી તપાસમાં શરૂઆતમાં આયોજકો અને બ્લડ-બૅન્કોએ ભેટ-વિતરણ વિશે અજ્ઞાનતા દર્શાવી હતી, પરંતુ રક્તદાતાઓ સાથેની સીધી વાતચીતમાં ઘડિયાળો મળી હોવાની પુષ્ટિ થઈ હતી. બાવીસમી ઑગસ્ટે નિરીક્ષણ કર્યા બાદ બીજી સપ્ટેમ્બરે કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી હતી અને બાવીસમી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બ્લડ-બૅન્કો દ્વારા રજૂ કરવામાં આવેલો ખુલાસો અસંતોષકારક જણાતાં રેડ ક્રૉસ સોસાયટીનું લાઇસન્સ પાંચ દિવસ માટે, જ્યારે જે. જે. હૉસ્પિટલ અને નાયર હૉસ્પિટલના બ્લડ સેન્ટરનાં લાઇસન્સ ત્રણ-ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જોકે જે. જે. હૉસ્પિટલ અને નાયર હૉસ્પિટલ બ્લડ સેન્ટરે સસ્પેન્શનના આદેશ સામે સરકારમાં અપીલ કરી હોવાથી તેમને આ હુકમ પર સ્ટે મળ્યો છે. આ સમગ્ર મામલે FDAના કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું હતું કે રક્તદાન એ સામાજિક જવાબદારી અને માનવતાનું કાર્ય છે એટલે એમાં કોઈ પણ પ્રકારની લાલચ કે ભેટનો ઉપયોગ થવો જોઈએ નહીં. તેમણે તમામ બ્લડ-બૅન્કોને કાનૂની જોગવાઈઓ અને નિયમોનું કડકપણે પાલન કરવાની ચેતવણી આપી છે.

૧૭ જાણીતી હોટેલો અને રેસ્ટોરાંનાં લાઇસન્સ રદ

મુંબઈમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મલાડ-ઈસ્ટના કાસમબાગ વિસ્તારમાં દરોડો પાડીને વેચાણ તેમ જ સંગ્રહ માટે રાખવામાં આવેલો ૯૯૩૦ રૂપિયાનો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મલાડ પોલીસ-સ્ટેશનમાં FDA અધિકારી આકાશ માંડલેએ ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) કાયદા હેઠળ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. 
બીજી તરફ મુંબઈ વિભાગમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી ૧૭ જેટલી જાણીતી હોટેલો, રેસ્ટોરાં, બેકરીઓ અને ઈ-કૉમર્સ સ્ટોર્સ સામે કડક પગલાં ભરીને એમનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એમાં ડૉમિનોઝ પીત્ઝાની મધ્ય મુંબઈ અને પશ્ચિમી ઉપનગરોસ્થિત વિવિધ શાખાઓ, કાર્નિવલ બાય ટ્રેસિન્ડ (સાંતાક્રુઝ), હૂંડો પીત્ઝા (ખાર), ધ પેનંગ ટેબલ (બાંદરા) અને ઇન્સ્ટાકાર્ટ સર્વિસિસ (લોઅર પરેલ) જેવી જાણીતી બ્રૅન્ડ્સનો સમાવેશ છે.
FDA દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોગ્ય સાથે ચેડાં કરતી અનેક ગંભીર ત્રુટિઓ સામે આવી હતી. અગાઉ સુધારણા કરવાની નોટિસ આપવા છતાં આ સ્થળો પર ખામીઓ દૂર કરવામાં આવી નહોતી. તપાસ દરમ્યાન રસોડામાં વાંદા-કીડી-મંકોડા અને ઉંદરોનો ઉપદ્રવ, ફ્રિજમાં રાંધેલું અને કાચું ભોજન એકસાથે રાખવું, બળેલા તથા અતિશય વપરાયેલા તેલનો ઉપયોગ કરવો અને વાસી ખોરાક પીરસવો જેવી ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી. આ ઉપરાંત કર્મચારીઓ પાસે સેફટી ટૂલ્સનો અભાવ હતો તેમ જ પીવાના પાણીના ટેસ્ટિંગ-રિપોર્ટ પણ નહોતા.

tukaram mundhe food and drug administration mumbai news mumbai whats on mumbai