17 October, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સામો, તુકારામ મુંઢેની તસવીરોનો કૉલાજ
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ હાલ ઉપવાસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સામો અને ઉપવાસના અન્ય પદાર્થો ખાતાં પહેલાં કાળજી લેવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે ‘સામા પર ફૂગ ચડેલી હોય અને એ જો ખાવાના ઉપયોગમાં લેવાય તો એનાથી ફૂડ-પૉઇઝનિંગ થઈ શકે છે. એથી સામો ખરીદતી વખતે પૅકિંગ અને બેસ્ટ બિફોર તારીખ ખાસ ચેક કરી લેવી. જો એક્સપાયરી ડેટ વીતી ચૂકેલો અને હલકી ક્વૉલિટીનો સામો કોઈ વેચતું જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
સામો તૈયાર કરતી વખતે શું કાળજી લેવી એ બાબતે FDAના છત્રપતિ સંભાજીનગર પ્રશાસને ગાઇડલાઇન આપતાં કહ્યું છે કે ‘સામો સ્વચ્છ અને સૂકા ડબ્બામાં સ્ટોર કરવો. જો બની શકે તો માર્કેટમાંથી સામાનો લોટ તૈયાર લાવવો નહીં. સામાની ભાખરી કે દશમી ન બનાવતાં બની શકે તો ખીચડી બનાવીને ખાવાને પ્રાયોરિટી આપવી. લોટ જોઈતો જ હોય તો તાજો જ વાપરવો, બહુ દિવસ રાખેલો સ્ટૉક કરેલો લોટ વાપરવો નહીં.’
વેપારીઓને સૂચના
સામો વેચનારે એ પૅકિંગમાં જ વેચવો. એના પર મૅન્યુફૅક્ચરરનું ઍડ્રેસ, લાઇસન્સ-નંબર અને પૅકિંગની ડેટ લખેલી હોવી જોઈએ.