ઑપરેશનના ડરે ૮૦ વર્ષના ગુજરાતીએ કરી આત્મહત્યા?

23 June, 2022 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સમયે મુંબઈમાં હોમ ગાર્ડ્‍સના અધ્યક્ષ રહી ચૂકેલા ઘાટકોપરના રમેશ સંઘવીને ડૉક્ટરે ઑપરેશન કરાવવા કહ્યું હતું, પણ ડાયાબિટીઝને લીધે તેઓ ટેન્શનમાં રહેતા હોવાનું કહેવાય છે

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં રહેતા ૮૦ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝને બીમારીથી કંટાળીને ગઈ કાલે વહેલી સવારે તેઓ જ્યાં રહેતા હતા એ બિલ્ડિંગની નીચે આવી સુરક્ષા માટે રાખેલી રિવૉલ્વરથી પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. નવાઈની વાત એ છે કે રમેશ મોહનલાલ સંઘવીએ બિલ્ડિંગની નીચે ગૅરેજ પાસે સીસીટીવીની સામે જઈને પોતાને ગોળી મારી હતી. આ સિવાય ગયા અઠવાડિયે ડૉક્ટરે તેમને પેટની તકલીફને લીધે ઑપરેશન કરાવવા કહ્યું હતું, પણ ડાહ્યાબિટીઝને લીધે તેઓ ડરી ગયા હતા અને આ જ કારણસર તેમણે અંતિમ પગલું તો નથી ભર્યુંને એની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને તેમની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેઓ ૧૯૯૨માં હોમ ગાર્ડ્સના મુંબઈના અધ્યક્ષ હતા. આ ઘટના પ્રકાશમાં આવતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો.

ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર કૈલાસ બિલ્ડિંગમાં સાતમા માળે રહેતા રમેશ મોહનલાલ સંઘવી ગઈ કાલે સવારે સાત વાગ્યે ઘરેથી મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. એ પછી કૈલાસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને પોતાની સુરક્ષા માટે રાખેલી રિવૉલ્વરથી પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. રિવૉલ્વરમાંથી ગોળી ચાલવાનો અવાજ આવતાં આસપાસમાં લોકો ભેગા થયા હતા. એમાંના એક જણે રમેશભાઈના ઘરે આ ઘટનાની જાણ કરી હતી. એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે આવેલી ટિળકનગર પોલીસે રમેશભાઈની બૉડીને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલી આપી હતી.

ટિળકનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝન પહેલાં હોમગાર્ડમાં મોટી પોસ્ટ પર હતા. એ કારણસર તેમને પોતાની સુરક્ષા માટે રિવૉલ્વર આપવામાં આવી હતી. તેમને ડાયાબિટીઝ સાથે બીજી અનેક બીમારી હતી જેનાથી કંટાળીને તેમણે ગઈ કાલે આત્મહત્યા કરી હતી. બે દીકરાઓ અને પત્ની સાથે છેલ્લાં ચાર વર્ષથી તેઓ અહીં રહેતા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news ghatkopar mehul jethva