17 May, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આપટા રેલવે-સ્ટેશન પર ‘ફ્લિકર’ નામની ફિલ્મનું શૂટિંગ કરતા અનુપમ ખેર.
બૉલીવુડના અને વેબ-સિરીઝના મેકર્સ માટે સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો અને હેરિટેજ બિલ્ડિંગો શૂટિંગ માટે આજે પણ પ્રથમ પસંદગી બની રહ્યાં છે. છેલ્લાં ૩ વર્ષમાં સેન્ટ્રલ રેલવેએ ફિલ્મો, જાહેરાતો અને વેબ-સિરીઝના શૂટિંગના ભાડામાંથી કુલ ૨.૨૯ કરોડ રૂપિયાની આવક કરી છે.
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) શૂટિંગ માટે સૌથી લોકપ્રિય સ્થળ રહ્યું છે. અગાઉ અહીં ‘સ્લમડૉગ મિલ્યનેર’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘રબ ને બના દી જોડી’ જેવી સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ થયું છે. અમિતાભ બચ્ચન પણ રેલવેની એક ફિલ્મ માટે અહીં શૂટિંગ કરી ચૂક્યા છે.
બીજી તરફ રાયગડ જિલ્લાનું આપટા રેલવે-સ્ટેશન બોલીવુડનું મનપસંદ લોકેશન છે. સહ્યાદ્રિની પહાડીઓ અને હરિયાળી વચ્ચે આવેલું આ સ્ટેશન એના ગ્રામીણ અને જૂના જમાનાના વિન્ટેજ દેખાવને કારણે નિર્માતાઓને આકર્ષે છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મોનું લોકેશન બનેલા આ સ્ટેશનથી રેલવેને ૮૫.૫૫ લાખ રૂપિયાની આવક થઈ છે જે કુલ આવકના ૩૭ ટકા જેટલી છે.
તાજેતરમાં અભિનેતા અનુપમ ખેર પણ ફિલ્મ ‘ફ્લિકર’ના શૂટિંગ માટે આપટા સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના શૂટિંગની જૂની યાદો તાજી કરી હતી. રેલવે-સ્ટેશનો, ઘાટ અને ટનલના કુદરતી લોકેશનને કારણે રેલવેની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.