બ્રેક-અપ પછી ખોટા કેસમાં ફસાવવાની ગર્લફ્રેન્ડે આપી ધમકી, હતાશ યુવક તેરમા માળથી કૂદી પડ્યો

09 August, 2026 09:31 AM IST  |  Banda | Gujarati Mid-day Correspondent

બાંદરાના યુવકને આત્મહત્યા કરવા માટે પ્રેરનારી ગર્લફ્રેન્ડ અને તેની બહેન સામે FIR

પ્રતીકાત્મક તસવીર

બાંદરા-ઈસ્ટના જેડ ગાર્ડન્સ વિસ્તારમાં રહેતા અને લૉ ગ્રૅજ્યુએટ થયેલા ૨૪ વર્ષના સનથ રાઘવને શુક્રવારે બપોરે પોતાના અપાર્ટમેન્ટના તેરમા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે ખેરવાડી પોલીસે બે યુવતીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો (અબેટમેન્ટ ઑફ સુસાઇડ) ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપી યુવતીઓ યુવકને ખોટા પોલીસકેસમાં ફસાવી દેવાની સતત ધમકીઓ આપી રહી હતી, જેને કારણે યુવક છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર માનસિક તનાવમાં હતો.

ખેરવાડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરનાર યુવક તેનાં મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે બાંદરામાં રહેતો હતો અને અગાઉ એક જજના લૉ ક્લર્ક તરીકે કામ કરી ચૂક્યો હતો. ૬ ઑગસ્ટે તેની મમ્મીને યુવકના મિત્રોનો ફોન આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે બૅન્ગલોરમાં અભ્યાસ દરમ્યાન યુવકનો એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બાદમાં સંબંધોમાં ખટાશ આવતાં તે યુવતી અને તેની મોટી બહેને તેને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપી યુવતીઓએ યુવકના નાના ભાઈના ફોન પર પણ પોલીસકેસ કરવાની ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો. મમ્મીએ પૂછપરછ કરતાં યુવકે પોતે ભારે માનસિક દબાણમાં હોવાની વાત સ્વીકારી હતી. મમ્મી યુવકના મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે યુવકે અચાનક પોતાની જાતને બેડરૂમમાં લૉક કરી દીધી હતી અને તેરમા માળની બારીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. દરવાજો ન ખૂલતાં મમ્મીએ તેમના ડ્રાઇવરને ડુપ્લિકેટ ચાવી લાવવા કહ્યું, પરંતુ ડ્રાઇવરે નીચે ભીડ એકઠી થઈ હોવાની અને યુવક કૂદી પડ્યો હોવાની જાણ કરી હતી. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ યુવકની મમ્મીએ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ટેક્નિકલ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai news mumbai suicide mumbai crime news Crime News mumbai police bandra