19 December, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરિશંકર પાલીવાલ અને તેમનું આગમાં બળીને ખાખ થઈ ગયેલું કેટરિંગના સામાનનું ગોડાઉન. તસવીરો : પ્રકાશ ઝાલા
ભાંડુપ-વેસ્ટના ભઠ્ઠીપાડા વિસ્તારમાં આવેલી કદમ ચાલની રૂમ-નંબર પાંચના કેટરિંગના એક ગોડાઉનમાં શૉર્ટ સર્કિટને લીધે આગ ફાટી નીકળી હતી. એમાં આગ ઓલવાઈ ગયા પછી ફાયર-બ્રિગેડની સાથે ગોડાઉનની બીજી રૂમ બતાવવા ગયેલા ૬૦ વર્ષના કેટરર હરિશંકર પાલીવાલને ઇલેક્ટ્રિક વાયરનો કરન્ટ લાગતાં તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાથી ભઠ્ઠીપાડામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ બાબતની માહિતી આપતાં ભઠ્ઠીપાડાના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સક્રિય કાર્યકર દીપક દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ હરિશંકર પાલીવાલના કેટરિંગના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગના ધુમાડા જોતાં જ આસપાસના સ્થાનિક રહેવાસીઓએ ફાયર-બ્રિગેડ આવે એ પહેલાં જ પાણી નાખીને આગ ઓલવી નાખી હતી. ત્યાં સુધીમાં કેટરિંગનો ઘણોબધો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આગના સમાચાર મળતાં જ ઘરે જમવા આવેલા ભઠ્ઠીપાડામાં જ રહેતા હરિશંકર દોડીને ગોડાઉન પાસે પહોંચી ગયા હતા.’
જાણે કાળનું કહેણ
આગના આ બનાવની દુખદ ઘટનાની માહિતી આપતાં દીપક દળવીએ કહ્યું હતું કે ‘મૂળ રાજસ્થાનના નાથદ્વારાના હરિશંકરને જાણે મોત બોલાવીને ગોડાઉનમાં લઈ ગયું હતું. હરિશંકર મહારાજનો પરિવાર રાજસ્થાનમાં જ રહે છે. તેઓ ૩૦-૪૦ વર્ષથી મુંબઈમાં રસોઈયાનું અને કેટરિંગનું કામ કરે છે. તેમનાં પત્ની બે દિવસ પહેલાં જ ભાંડુપ આવ્યાં હતાં. આથી હરિશંકર મહારાજ ગઈ કાલે બપોરે ઘરે જમવા ગયા હતા. હજી તો તેઓ જમવાનું શરૂ કરે ત્યાં જ તેમને આગના સમાચાર મળ્યા હતા. તેઓ દોડીને ગોડાઉન પાસે પહોંચ્યા હતા. ત્યાં આગ ઓલવાઈ ગયા પછી
ફાયર-બ્રિગેડને ગોડાઉનની અન્ય રૂમ બતાવવા તેમણે ફાયર-બ્રિગેડની સાથે ગોડાઉનમાં એન્ટ્રી કરી હતી. તેમની પાછળ ફાયર-બ્રિગેડનો જવાન હતો. જોકે હરિશંકરને ગોડાઉનમાં એન્ટ્રી કરતાં જ પાણીમાં રહેલા ઇલેક્ટ્રિકના વાયરમાંથી કરન્ટ લાગતાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને હૉસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યા પછી રાજસ્થાનમાં તેમના ગામમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. એની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક કાર્યકર પ્રકાશ ઝાલા સાથે રહીને કરવામાં આવી હતી.’ ભાડુંપ પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પ્રાથમિક તપાસમાં આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. બાકીની તપાસ ફાયર-બ્રિગેડ કરી રહી છે.’