18 September, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ બનાવને કારણે મુંબઈથી સુરત તરફ જતી ડાઉન લાઇનની ટ્રેનો મોડી પડી હતી.
મુંબઈ સેન્ટ્રલ-વલસાડ ફાસ્ટ પૅસેન્જર ટ્રેનના એન્જિનમાં કેળવે રોડ સ્ટેશન નજીક ગઈ કાલે સાંજે ૭.૫૬ વાગ્યે આગ લાગી હતી. એન્જિનમાંથી આગની લપેટો અને ધુમાડો દેખાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે એન્જિનમાં આગ લાગતાં જ સુરક્ષાનાં પગલાંરૂપે ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવાતાં આગને ફેલાતાં રોકી શકાઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હોવાનું વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. ટેક્નિકલ સ્ટાફની મદદથી એન્જિનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનને કેળવે રોડ સ્ટેશન પર ઊભી રાખવામાં આવી હતી. આ બનાવને કારણે મુંબઈથી સુરત તરફ જતી ડાઉન લાઇનની ટ્રેનો મોડી પડી હતી.