મને છે ભગવાન પર અતૂટ શ્રદ્ધા, મને બચાવી લેશે

26 October, 2022 09:26 AM IST  |  Mumbai | Rohit Parikh

ફટાકડાને લીધે સોસાયટીના એક ફ્લૅટમાં આગ ફાટી નીકળી ત્યારે પરિવાર સહિતના બધા સભ્યો જીવ બચાવવા માટે પરિસરમાં પહોંચી ગયા, પણ ગોરેગામની જૈન મહિલા ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે તેમની ધાર્મિક વિધિ ધરાર પૂરી કર્યા પછી જ જગ્યા પરથી ઊભાં થયાં

ગોરેગામ-વેસ્ટના જવાહરનગરમાં અરિહંત ક્રિસ્ટ સોસાયટીના એક ફ્લૅટની ગૅલરીમાં સોમવારે રાતના ફાટી નીકળેલી આગ

ગોરેગામ-વેસ્ટના જવાહરનગરમાં આવેલા પ્લૉટ નંબર-૨૪૨ પરની અરિહંત ક્રિસ્ટ સોસાયટીમાં ગઈ કાલે સાંજના સમયે ફટાકડાને કારણે ચોથા માળના હાલારી કચ્છી જૈનના ફ્લૅટની ગૅલરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે દિવાળીના દિવસે તહેવારની ઉજવણીમાં વ્યસ્ત સોસાયટીના પરિવારોમાં ફફડાટ ફેલાયો હતો. બધા જ ફ્લૅટોના સિનિયર સિટિઝનો અને બાળકો સહિતના સભ્યો તેમનો જાન બચાવવા સોસાયટીના પરિસરમાં આવી ગયાં હતાં. જોકે આ જ સોસાયટીના છઠ્ઠા માળે રહેતાં કચ્છી જૈન સિનિયર સિટિઝન મહિલા આગ લાગી ત્યારે સામાયિકમાં (જૈનોની એક ૪૮ મિનિટની ધાર્મિક વિધિ) હોવાથી તેમના પૌત્રો અને સોસાયટીના સભ્યોના અતિશય આગ્રહ છતાં સામાયિક છોડીને તેમના ફ્લૅટમાંથી બહાર નીકળ્યાં નહોતાં. તેમણે કહ્યું હતું કે મને ભગવાન પર અતૂટ શ્રદ્ધા છે જે મને ગમે એવી કપરી પરિસ્થિતિમાંથી પણ બચાવી લેશે.

આ બાબતની માહિતી આપતાં આ મહિલાના એક સ્વજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજના બધા જ દિવાળીના તહેવારની ઉજવણીમાં તેમના પરિવારો સાથે વ્યસ્ત હતા ત્યારે અચાનક એક ફટાકડાને કારણે અરિહંત ક્રિસ્ટ સોસાયટીના છઠ્ઠા માળ પરની ગૅલરીમાં બહાર સુકાતાં કપડાંમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે ગૅલરીમાં પડેલો બધો જ સામાન બળી ગયો હતો. જોકે આ ફ્લૅટની બારી બંધ હોવાથી આગ ફ્લૅટની અંદર પહોંચી નહોતી. આ આગ લાગવાથી સોસાયટીની ઇમારતની બધી જ લાઇટ બંધ કરીને રહેવાસીઓ તેમનો જીવ બચાવવા માટે તેમના ઘરનાં સિનિયર સિટિઝનો અને બાળકોને લઈને સોસાયટીના પરિસરમાં આવી ગયા હતા. જોકે આટલા બધા પૅનિક માહોલમાં પણ ધર્મ અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા ધરાવતાં કચ્છી સિનિયર સિટિઝન મહિલા જેઓ આગ લાગી ત્યારે છઠ્ઠા માળના તેમના ફ્લૅટમાં સામાયિક કરી રહ્યાં હતાં એમાંથી સહેજ પણ ડગમગ્યા નહોતાં. આ મહિલાની સાથે એ સમયે તેમના પતિ અને તેમના પૌત્રો પણ ફ્લૅટમાં હાજર હતા. આ બધાએ મહિલાને ખૂબ સમજાવ્યાં, આજીજી કરી; પણ મહિલા સામાયિક છોડીને ફ્લૅટ છોડવા તૈયાર નહોતી થઈ. આથી મહિલાને ફ્લૅટમાં મૂકીને જ તેમના પતિ અને પૌત્રો નીચે ઊતરી ગયા હતા.’

તેમના સ્વજને વધુમાં કહ્યું હતું કે ‘આગ વિકરાળ બને અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ આસપાસની સોસાયટીના સભ્યો અને શાકભાજીના ફેરિયાઓએ સાત ફાયર-એક્સ્ટિંગ્વિશર અને પાણીની મદદથી આગને કાબૂમાં કરી લીધી હતી. આગ કાબૂમાં આવે એની ૧૫ મિનિટ પહેલાં આ સોસાયટીના એક સભ્યએ ફરીથી જઈને જૈન સિનિયર સિટિઝન મહિલાને નીચે ઊતરી જવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં મહિલા ટસની મસ થયાં નહોતાં. નસીબજોગે આગ કાબૂમાં આવી ગઈ હતી અને મહિલાનાં સામાયિક પણ શાંતિ અને સમતાપૂર્વક પૂરાં થયાં હતી.’

mumbai mumbai news goregaon rohit parikh