થાણેમાં ૧૬ માળના બિલ્ડિંગમાં ૬ માળ સુધી ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ

27 July, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૦થી ૮૦ રહેવાસીઓને બચાવ્યા ફાયરબ્રિગેડની સમયસર કામગીરીએ

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં ૧૬ માળના બિલ્ડિંગમાં રવિવારે ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે ઇમર્જન્સી ટીમો દ્વારા બિલ્ડિંગના રહેવાસીઓને સમયસર ઉગારવામાં આવતાં કોઈ પણ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નહોતી.

અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આશરે ૭૦થી ૮૦ રહેવાસીઓને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા શિળફાટા વિસ્તારમાં આવેલા સનરાઇઝ ગ્લોરી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા​માં આવ્યા હતા, જ્યારે લિફ્ટમાં ફસાયેલા એક જણને પણ સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યો હતો. આ ઘટના સવારે ૯.૨૦ વાગ્યે બની હતી.

અધિકારીઓએ આપેલી માહિતી મુજબ પહેલા માળથી છઠા માળ સુધી ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હતી. એને કારણે ઇન્ટર્નલ કૉરિડોર્સમાં ધુમાડો ફેલાઈ ગયો હતો તથા દાદરા પણ ધુમાડાથી ભરાઈ ગયા હતા. એને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર પહોંચીને બધાને જ હેમખેમ બિલ્ડિંગમાંથી બહાર કાઢીને તેમને બચાવી લીધા હતા. બિલ્ડિંગમાં છઠ્ઠા માળે લિફ્ટમાં ફસાયેલા એક રહેવાસી ફિરોઝ ખાનને પણ બચાવી લેવાયો હતો.

ભિવંડીમાં ટેમ્પો ભડભડ બળ્યો

ભિવંડીમાં નિંબવલી ફાટા નજીક એક ઊભેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. આસપાસ ઊભેલા લોકોએ જ બાલદી ભરી-ભરીને ટેમ્પો પર પાણી નાખી આગ ઓલવી હતી. ટેમ્પોનો ડ્રાઇવર ચા પીવા માટે નજીકમાં આવેલી દુકાનમાં ગયો ત્યારે અચાનક આગ લાગી હતી. જોકે આગ શેના કારણે લાગી એનું કારણ ત્યારે જાણી શકાયું નહોતું.

fire incident mumbai fire brigade thane mumbai mumbai news