19 March, 2025 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીમાં બનાવવામાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય મંદિર.
ભિવંડીમાં બન્યું છે હિન્દવી સ્વરાજના સ્થાપકનું સૌપ્રથમ મંદિર : આઠેક કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ૫૦૦૦ ફુટના કિલ્લામાં શિવાજી મહારાજ ઉપરાંત તુળજા ભવાની અને જીજામાતાનાં મંદિર પણ છે : છત્રપતિના જીવન પર આધારિત ૩૬ શિલ્પચિત્ર પણ બનાવવામાં આવ્યાં છે
થાણે જિલ્લામાં આવેલા ભિવંડીના ભિવંડીવાડા રસ્તા પરના મરાડે પાડા ખાતે શિવક્રાન્તિ પ્રતિષ્ઠાન દ્વારા હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનું સૌપ્રથમ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જેનું ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકાર્પણ કર્યું હતું. મંદિરમાં કૃષ્ણશિલામાંથી શિવાજી મહારાજની ૬ ફુટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિ બનાવનારા મૂર્તિકાર અરુણ યોગીરાજે જ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૈયાર કરી છે.
આ મંદિર નથી, રાષ્ટ્રમંદિર છે: મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજના મંદિરનું લોકાર્પણ કરતી વખતે કહ્યું હતું કે ‘મંદિરની ફરતે કિલ્લેબંધી છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનના તમામ પ્રસંગો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રનાં આરાધ્યદેવી તુળજા ભવાની અને જીજામાતાનાં મંદિર પણ છે. આથી આ માત્ર મંદિર નહીં પણ રાષ્ટ્રમંદિર છે. છત્રપતિ શિવાજી મહારાજે દેશ, દેવ (મંદિરના અર્થમાં), ધર્મની લડાઈ જીતી હતી. તેઓ હતા એટલે તમે અને હું હિન્દુ રહી શક્યા છીએ. તેમને લીધે જ આપણે મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી શકીએ છીએ. આવા મહામાનવની દેશ-દુનિયાના હિન્દુઓને પ્રેરણા મળતી રહે એ માટે તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે.’
શિવક્રાન્તિ પ્રતિષ્ઠાનના સ્થાપક રાજુભાઉ ચૌધરીએ મંદિર બનાવવા વિશે કહ્યું હતું કે ‘આ મંદિરની આખા રાજ્યમાં ચર્ચા છે અને અમને મંદિર વિશે પૂછપરછ કરી રહ્યા છે. શિવાજી મહારાજના યોગદાનને લીધે હિન્દુ મંદિરો સુરક્ષિત રહ્યાં હતાં. આદિલશાહ અને નિજામશાહનાં આક્રમણ થતાં હતાં ત્યારે શિવાજી મહારાજે તેમનો સામનો કર્યો હતો. છત્રપતિ એ સમયે લડ્યા ન હોત તો આજની ભારતની સ્થિતિ જુદી જ હોત. આથી અમે આ મહાનુભાવનું મંદિર બનાવ્યું છે. આ મંદિર છત્રપતિ શિવાજી મહારાજે કરેલા મહત્ત્વના કામની સદાય યાદ અપાવતું રહેશે.’
મંદિરની સંરચના
છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાની રચના મુજબ જ મંદિર બનાવવામાં આવ્યું છે. કિલ્લેબંધી ૫૦૦૦ ફુટની છે, એમાં ૨૫૦૦ ફુટમાં મંદિર બનાવવામાં આવ્યું છે. ડૉ. કૈલાસ મહારાજ નિચિતેના માર્ગદર્શનમાં મંદિર બનાવવા માટે આઠેક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મંદિરની ચારે બાજુ કિલ્લેબંધી, બુરજ અને મહાદ્વાર છે. મંદિરનું પ્રવેશદ્વાર ૪૨ ફુટ ઊંચું છે અને મંદિરમાં કુલ પાંચ કળશ મૂકવામાં આવ્યા છે. મંદિરના ગભારામાં ૪૨ ફુટ ઊંચો સભામંડપ છે અને એને ફરતે ગોળાકાર બુરજ છે. આ બધું બાંધકામ પથ્થરથી કરવામાં આવ્યું છે. મંદિરમાં ૩૬ વિભાગ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસનાં ભવ્ય શિલ્પ બનાવવામાં આવ્યાં છે. મંદિરના દરેક થાંભલા પર નકશીકામ કરવામાં આવ્યું છે.
મૂર્તિ ચાર વર્ષે તૈયાર થઈ
અખંડ કૃષ્ણશિલામાંથી મહારાજની ૬ ફીટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિકાર અરુણ યોગીરાજે છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસનો અભ્યાસ કરીને આ મૂર્તિ બનાવી છે. ચાર વર્ષ પહેલાં મૂર્તિ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વચ્ચે રામ મંદિરની મૂર્તિનું કામ આવી જતાં થોડા સમય માટે છત્રપતિની મૂર્તિનું કામ રોકી દેવામાં આવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજાંચા વિજય અસો
ગઈ કાલે તિથિ મુજબ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી હોવાથી એ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર રેલવેના કર્મચારીઓએ શિવરાયાનો વેશ ધારણ કરીને સરઘસ કાઢ્યું હતું. તસવીર- સૈયદ સમીર અબેદી