ઘર પાસે જ પાંચ કૂતરા ઘેરી વળ્યા, એકે પગ કરડી ખાધો

15 April, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના ગુજરાતી સાથે બન્યો કંપારી છૂટી જાય એવો બનાવ

કૂતરો કરડવાથી ઘાટકોપરના જુબીન શાહના જમણા પગ પર પડેલો ઘા અને ઉઝરડા.

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી પણ મુંબઈ મહાનગરપાલિકા રોડ પર રખડતા કૂતરાઓના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવામાં નિષ્ફળ રહી છે. એને કારણે આજે પણ મુંબઈ અને ઉપનગરોમાં રાહદારીઓ પર કૂતરાઓ દ્વારા અટૅક થવાના બનાવો બની રહ્યા છે. મહાનગરપાલિકા કહે છે કે અમને કોર્ટે ફક્ત હૉસ્પિટલ અને ગાર્ડન જેવી જાહેર જગ્યાઓમાંથી કૂતરાઓને હટાવીને એમના માટે આશ્રયસ્થાન ઊભું કરવાનો આદેશ આપ્યો છે.

આવો જ એક બનાવ રવિવારે સવારે પોણાનવ વાગ્યે ઘાટકોપર-ઈસ્ટની ઓઘડભાઈ લેનમાં બન્યો હતો. એમાં તનિષ્ક હાઇટ્સમાં રહેતા ૪૨ વર્ષના ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર જુબીન શાહ સવારે બહારથી તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને પાંચ કૂતરા ઘેરી વળ્યા હતા. એમાંથી એક કૂતરાએ અગ્રેસિવ બનીને જુબીન શાહ પર હુમલો કરીને તેમના જમણા પગને કરડી ખાધો હતો. આ બનાવથી આ વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો અને તેમણે તેમના વિસ્તારમાંથી કૂતરાઓ હટાવવાની માગણી કરી હતી.

આ બાબતની માહિતી આપતાં જુબીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં પંદરથી વધુ કૂતરાઓ છે. તેઓ ગમે ત્યારે રાહદારીઓ સામે અગ્રેસિવ બનીને તેમને ઈજાગ્રસ્ત કરતા હોય છે. રવિવારે મને પાંચ કૂતરાઓ ઘેરી વળ્યા હતા. એમાંથી એક ભૂરા/કાળા કૂતરાએ અગ્રેસિવ બનીને મને જમણા પગમાં કરડીને એના દાંતથી ઉઝરડા કરી નાખ્યા હતા. હું એ સમયે એકલો હતો. મારા પર હુમલો થતાં જ હું ચિલ્લાવા લાગ્યો હતો. એને કારણે કૂતરો ડરીને ભાગી ગયો હતો, પણ એણે મને ગંભીર ઈજા કરી હતી. એ સમયે તો મારી માનસિક હાલત ગંભીર બની ગઈ હતી. હું ધ્રૂજી ઊઠ્યો હતો. એના કરડવાથી પગમાં એકદમ ઊંડો ઘા થયો છે અને એ અત્યંત પીડાદાયક છે, જેની મારી રૂટીન લાઇફ પર અસર થઈ હતી. હું મારા ઘરની બહાર જવા અસમર્થ બની ગયો છું. મેં હડકવાની જરૂરી દવા અને ઇન્જેક્શન લીધાં હતાં.’

અમારા વિસ્તારના રહેવાસીઓ અનેક વાર અમારા વિસ્તારના રખડતા કૂતરાઓની સામે મુંબઈ મહાનગરપાલિકાના N વૉર્ડમાં ફરિયાદ કરી ચૂક્યા છે એમ જણાવતાં જુબીન શાહે કહ્યું હતું કે ‘સોમવારે મેં આ બાબતની N વૉર્ડમાં તથા અમારા નગરસેવક અને સ્થાનિક વિધાનસભ્યને ફરિયાદ કરી છે. એમાં મેં અમારા વિસ્તારના રહેવાસીઓ અને રાહદારીઓની સુરક્ષા માટે રખડતા કૂતરાઓ પર સખત કાર્યવાહી કરવા કહ્યું છે. મને મળેલી માહિતી પ્રમાણે ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહે આ બાબતની ગંભીર નોંધ લઈને મુંબઈ મહાનગરપાલિકાના ડૉગ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક ઍક્શન લેવાની સૂચના આપી છે.’

મહાનગરપાલિકા શું કહે છે?

કોર્ટે અમને ગાર્ડનમાં અને હૉસ્પિટલની આસપાસ રખડતા કૂતરાઓ સામે ઍક્શન લેવાનો આદેશ આપ્યો છે અને એ કાર્યવાહી અમે ફરિયાદ મળતાં કરી રહ્યા છીએ એમ જણાવીને ડૉગ ડિપાર્ટમેન્ટના ‌એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આવી ફરિયાદ મળતાં અમે તરત જ અમારી ટીમને જે-તે વિસ્તારમાં કૂતરાઓ પર ઍક્શન લેવા મોકલી આપીએ છીએ. ત્યાં જે કૂતરો અગ્રેસિવ થાય છે એને લાવીને એનું સ્ટરિલાઇઝેશન અને વૅક્સિનેશન કરીને થોડા દિવસ પછી એ જ વિસ્તારમાં પાછો મૂકી આવીએ છીએ. કોર્ટે અમને સ્ટ્રે ડૉગ પર કાર્યવાહી કરવાનો કોઈ આદેશ આપ્યો નથી.’

mumbai news mumbai ghatkopar gujarati community news gujaratis of mumbai wildlife brihanmumbai municipal corporation