સયાજી એક્સપ્રેસ છે શરાબીઓનો અડ્ડો

03 March, 2023 08:24 AM IST  |  Mumbai | Diwakar Sharma

દાદરથી ચડેલા પ્રવાસીઓએ ટ્રેનમાં જ બેરોકટોક દારૂની પાર્ટી શરૂ કરી દીધી : દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં ટ્રેન પ્રવેશી છતાં બિન્દાસ નશો કરતા રહ્યા : ચેઇન-પુલિંગ કરીને આ દારૂ​ડિયાઓને આખરે ભરૂચ ઉતારી દેવાયા

રેલવે ઍક્ટની કલમ ૬૬/૧ બી હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ગઈ કાલે સુરતની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

ગુજરાત જતી સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં પોતાનાં બે બાળકો સાથે વતનના ગામ જવા પ્રવાસ કરી રહેલી ૩૧ વર્ષની થાણેની એક મહિલાએ તેની સાથેના પ્રવાસીઓનું ગ્રુપ દારૂ પીને તેમ જ સિગારેટ ફૂંકીને ધમાલ મચાવી રહ્યું હોવાથી ચેઇન-પુલિંગ કર્યું હતું. 

આ મહિલાની બહેને કહ્યું કે ‘દાદર રેલવે સ્ટેશને આ ગ્રુપ ચડ્યું ત્યારે જ પોલીસે તેમને ચેતવણી આપી હતી છતાં તેમણે દારૂબંધીનો કાયદો ધરાવતા રાજ્ય ગુજરાતમાં ટ્રેન પ્રવેશી હોવા છતાં દારૂ પીવાનું ચાલુ રાખ્યું હતું.’

આ બાબત પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ (સીપીઆરઓ), પશ્ચિમ રેલવે મુંબઈ, આરપીએફ અને જીઆરપીના ધ્યાનમાં લાવવામાં આવતાં તેઓ તત્કાળ ઍક્શનમાં આવ્યા હતા અને પાંચ વ્યક્તિઓને ભરૂચ રેલવે સ્ટેશને ઉતારી દેવાયા હતા. 

નામ ન આપવાની શરતે આ મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે નશામાં ધૂત આ પુરુષો  શંકાસ્પદ વર્તન કરી રહ્યા હતા. તેઓ બાજુના સ્લીપર કોચ એસી થ્રી-ટિયર કોચમાં જઈ રહ્યા  હતા, જ્યાં તેમના ગ્રુપના અન્ય લોકો પ્રવાસ કરી રહ્યા હતા. હું મારાં બે નાનાં બાળકો સાથે એસી થ્રી-ટિયર સેક્શનમાં પ્રવાસ કરી રહી હતી. સાંજે સાડાછ વાગ્યા હતા, જ્યારે મને કાંઈક અજુગતું થઈ રહ્યું હોવાનો અવાજ સંભળાયો હતો. એસી કોચમાં આ ગંધ અસહ્ય બની હતી છતાં શરૂઆતમાં મેં એની અવગણના કરી હતી. મારા મોટા દીકરાને ટૉઇલેટ જવું હતું ત્યારે તેની સાથે જઈને હું ટૉઇલેટના દરવાજા પાસે ઊભી હતી ત્યારે મેં આ આખા ગ્રુપને બે કમ્પાર્ટમેન્ટ વચ્ચેની જગ્યામાં દારૂ અને સિગારેટ પીતા જોયા હતા.’ 

આ ગ્રુપના લોકો વિશે ટિકિટચેકરને ફરિયાદ કરનાર મહિલાએ આખો પ્રસંગ યાદ કરતાં કહ્યું કે ‘ત્યાંથી પાછા ફર્યા બાદ મેં મારી સીટ બદલવાનો નિર્ણય કર્યો, કેમ કે આ લોકો આખા કોચમાં ટહેલી રહ્યા હતા અને મોટા અવાજે બોલતા રહ્યા હતા. આ બધું ઘણું અસામાન્ય હતું અને મને ગુસ્સો આવી રહ્યો હતો. વળી મારી સીટ દરવાજાની નજીક હોવાથી મને અસહજ વર્તાઈ રહ્યું હતું. વધુમાં તેઓ દિવસોથી નહાયા ન હોય એવી બદબૂ તેમના શરીરમાંથી આવી રહી હતી.’ 

આ મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે જોકે ટિકિટચેકરે તેમને ધમકાવ્યા બાદ તેઓ થોડા સાવચેત બની ગયા હતા, પણ તેમના કેટલાક સાથીઓ બાજુના સ્લીપર કોચમાં પ્રવાસ કરી રહ્યા હોવાથી તેમણે કોચમાં આંટા મારવાનું બંધ નહોતું કર્યું. લગભગ સાંજે સાડાસાત વાગ્યે મારી નાની બહેને ફોન કરતાં તેણે તેને તમામ હકીકત જણાવી હતી, જેણે સીપીઆરઓમાં સૂચના આપી હતી.’ 

માત્ર ૧૫ મિનિટમાં જ મદદ મળી હતી 

મહિલાની નાની બહેન લતા શર્મા ટીવી જર્નલિસ્ટ છે, તેણે તત્કાળ સીપીઆરઓ સુમીત ઠાકુરને ફોન કર્યો હતો. સીપીઆરઓને તેની બહેનના કોચ અને સીટ વિશેની માહિતી ફૉર્વર્ડ કર્યાની ૧૫ જ મિનિટમાં ભરૂચ રેલવે સ્ટેશને મદદ પહોંચી ગઈ હતી. આ તમામ શરાબીઓને ત્યાં ઉતારી દેવાયા હતા. મહિલા પોલીસ સાથેની આ પોલીસ ટુકડીએ મહિલા અને તેનાં બાળકોને તેઓ સુરક્ષિત ગાંધીધામ જંક્શન પહોંચશે એની ખાતરી આપી હતી. 

આ મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘પૅસેન્જરની મુશ્કેલી સંભાળનાર અધિકારી સતત સંપર્કમાં રહ્યા હતા, તેમણે મારી સુરક્ષા માટે મહિલા પોલીસ પણ મૂકી હતી, જેણે અમદાવાદ સુધી મારી સાથે રહીને હું સુરક્ષિત હોવાની મને ખાતરી કરાવી હતી.’

વડોદરા વિભાગથી ફરજ પર રહેલા ટિકિટચેકરે મહિલાને સીટ બદલી આપવાની ઑફર કરી હતી, પરંતુ સહયાત્રીઓ સાથે ભળી જવાને કારણે તેણે સીટ બદલવાની ઑફર નકારી હતી. 
‘મિડ-ડે’ સાથે વાત કરતાં સુમીત ઠાકુરે કહ્યું કે ‘ભરૂચ સ્ટેશને પાંચ વ્યક્તિને ઉતારી મુકાયા હતા, જેમાંથી ત્રણ જણમાં ૩૩ વર્ષનો નરેશ, ૩૬ વર્ષનો હરિકિશન અને ૩૭ વર્ષનો વેંકટેશ રાવ નશામાં ધૂત હતા. તેમની વિરુદ્ધ રેલવે ઍક્ટ ૬૬/૧બી હેઠળ કેસ નોંધીને તેમને ગઈ કાલે સુરત કોર્ટમાં હાજર કરાયા હતાં, જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. 
 મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતમાં શરાબના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. ગુજરાત જતી ટ્રેનમાં કેટલાક મુસાફરો સૉફ્ટ ડ્રિન્કમાં દારૂ ભેળવીને લઈ જતા હોય છે, પણ મોટા ભાગે આવા કેસ નોંધાતા નથી.

mumbai mumbai news gujarat gujarat news diwakar sharma