06 February, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી
બિશ્નોઈ ગૅન્ગ તરફથી ઓછામાં ઓછી પાંચ સેલિબ્રિટીઝને ખંડણી માટે ફોન કરવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી છે. રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગના કેસમાં તપાસ કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે જેમ રોહિત શેટ્ટીને અનેક વાર ધમકીભર્યા કૉલ કરવામાં આવ્યા હતા એ રીતે અન્ય સેલિબ્રિટીઝને પણ કૉલ કરવામાં આવ્યા છે. જોકે એક પણ સેલિબ્રિટીએ આની ફરિયાદ નોંધાવી નથી કે કોઈએ આ બાબતે કોઈ નિવેદન પણ આપ્યું નથી.
પોલીસે કહ્યું હતું કે જો પોલીસ જાતે આ બાબતે ફરિયાદ નોંધે અને તપાસ કરે તો એ પોલીસ માટે ઘણું ગૂંચવણભર્યું કામ બનશે. પોલીસ-અધિકારીના જણાવવા મુજબ રોહિત શેટ્ટીએ પોતે પણ ધમકીના કૉલ આવતા હોવાની મનાઈ કરી હતી, પરંતુ લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગના સાગરીત શુભમ લોણકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફાયરિંગની જવાબદારી સ્વીકારી ત્યારે તેણે અનેક વાર રોહિત શેટ્ટીને કૉલ કર્યો હોવાનો ઉલ્લેખ હતો.
પોલીસની વિવિધ ટીમો હવે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ અને માસ્ટરમાઇન્ડ શુભમને શોધી રહી છે ત્યારે અન્ય સેલિબ્રિટીઝને પણ આવા કૉલ મળ્યાની દિશામાં તપાસ કરવાની પોલીસની તૈયારી છે.