સુરક્ષા-ગાર્ડની હત્યા અને લૂંટ કરવા ફ્લૅટમાં ઘૂસવાનો પ્રયાસ કરવાના આરોપસર પાંચ લોકોની ધરપકડ

09 August, 2026 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે કેસની તપાસ માટે ઘણી ટીમો બનાવી હતી અને ટેક્નિકલ પુરાવાઓની મદદથી જોગેશ્વર મલિક ઉર્ફે કિશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું

પકડાયેલા આરોપીઓ સાથે પોલીસની ટીમ.

જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડની હત્યા બદલ અને લૂંટ કરવા માટે ફ્લૅટમાં ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ કરવાના આરોપસર એક પરિવારના રસોઈયા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીએ ૩૮ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ મનોજ યાદવનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી હતી, તેના હાથ બાંધી દીધા હતા અને લાશને બિલ્ડિંગની પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી. રહેવાસીઓએ ગુમ થયેલા સિક્યૉરિટી ગાર્ડની શોધ શરૂ કરી ત્યારે હત્યાનો ખુલાસો થયો.’
પોલીસે કેસની તપાસ માટે ઘણી ટીમો બનાવી હતી અને ટેક્નિકલ પુરાવાઓની મદદથી જોગેશ્વર મલિક ઉર્ફે કિશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે બિલ્ડિંગમાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરે રસોઈયા તરીકે કામ કરતો હતો.
જોગેશ્વર મલિકે કથિત રીતે તેના માલિક, તેની પત્ની અને પુત્રીની હત્યા કરવાનો અને ફ્લૅટમાંથી રોકડ અને ઘરેણાં લૂંટવાનો પ્લાન ઘડવાની કબૂલાત કરી હતી. પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ કાવતરું લગભગ બે વર્ષથી ચાલી રહ્યું હતું.

ઘટના શું હતી?
પહેલી ઑગસ્ટે રાતે આરોપીઓ બિલ્ડિંગ પાસે ભેગા થયા હતા અને મનોજ યાદવ સાથે દારૂ પીધો હતો. પછી તેમણે મનોજ યાદવનું ગળું દબાવીને હત્યા કરીને લાશને પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી. સવારે લગભગ ૪ વાગ્યે આરોપીઓ છઠ્ઠા માળે ગયા હતા અને ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને બિઝનેસમૅનના ફ્લેટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ દરવાજો ખોલવામાં નિષ્ફળ ગયા હતા અને સ્થળ પરથી ભાગી ગયા હતા એમ પોલીસે જણાવ્યું હતું. 

mumbai news mumbai Crime News mumbai crime news mumbai police juhu