16 March, 2025 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાતમા ધોરણમાં ભણતી જોગેશ્વરી-ઈસ્ટની ૧૨ વર્ષની કિશોરી ૨૪ ફેબ્રુઆરીએ કાકા સાથે ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી. કાકાએ જોગેશ્વરી પોલીસ-સ્ટેશનમાં ભત્રીજીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. કોઈકે ભત્રીજીનું અપહરણ કર્યું હોવાની શંકા કાકાએ વ્યક્ત કરતાં પોલીસે અજાણ્યા આરોપીઓ સામે અપહરણ કરવાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
જોગેશ્વરીની કિશોરી શુક્રવારે દાદર રેલવે-સ્ટેશન પર સ્કૂલના યુનિફૉર્મમાં એકલી ફરતી જોવા મળતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. કિશોરીએ પોલીસને કહ્યું હતું કે તેના પર કેટલાક લોકોએ બળાત્કાર કર્યો છે. સ્કૂલમાંથી છૂટીને તે ઘરે જઈ રહી હતી ત્યારે ઘરની નજીકમાં રહેતો ઍર-કન્ડિશનરનો મૅકેનિક તેને સંજયનગરમાં તેના ઘરે લઈ ગયો હતો. અહીં તેના પર પાંચ લોકોએ વારંવાર બળાત્કાર કર્યો હતો. તેને ઘરની અંદર ગોંધી રાખીને ઘણા દિવસ સુધી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આનાથી તેની માનસિક અને શારીરિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ જેમતેમ કરીને બળાત્કાર કરનારાઓની પકડમાંથી છૂટીને તે રેલવે-સ્ટેશન પહોંચી હતી.
પોલીસે કિશોરીનું નિવેદન નોંધ્યા બાદ તેણે જેમનાં નામ આપ્યાં હતાં એ પાંચેય યુવકની ગૅન્ગરેપ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પીડિત કિશોરીની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેને બાળસુધારગૃહમાં મોકલી દેવામાં આવી હોવાનું જોગેશ્વરી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.