મારા કામના કલાકો પૂરા થઈ ગયા, આજે હવે હું ફ્લાઇટ નહીં ઉડાવું

28 November, 2025 08:30 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

નવા નિયમોનો આધાર આપીને પુણેમાં બે પાઇલટે આવું કહી દેતાં ફ્લાઇટો ત્રણથી સાડાત્રણ કલાક મોડી પડી

પ્રતીકાત્મક તસવીર

પુણે ઍરપોર્ટ પર ૨૪ કલાકમાં બે અલગ-અલગ ઘટનાઓમાં પાઇલટે વિમાન ઉડાવવાનો ઇનકાર કરી દીધો હોવાની ઘટના સામે આવી હતી. આ પરિસ્થિતિને કારણે પૅસેન્જરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે બન્ને ફ્લાઇટ ત્રણથી સાડાત્રણ કલાક મોડી ઊપડી હતી.

પુણે-દિલ્હી ફ્લાઇટના પાઇલટે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) નિયમનો આધાર લઈને ફ્લાઇટ ઉડાવવાની ના પાડી દીધી હતી. પુણે-દિલ્હી ફ્લાઇટનો ઑફિશ્યલ ટાઇમ બુધવારે સવારે ૮.૪૦ વાગ્યાનો હતો, પણ પાઇલટે ‘મારા કામ કરવાના કલાકો પૂરા થઈ ગયા છે, હવે હું વિમાન નહીં ઉડાવું’ એવું કહીને વિમાન ઉડાવવાની ના પાડી દીધી હતી એટલે બીજો પાઇલટ અરેન્જ કરવામાં આવ્યો હતો. જોકે આ બધી ગડમથલમાં ૩ કલાક વીતી ગયા હતા અને સવારના ૮.૪૦ની ફલાઇટ ૧૧.૪૦ વાગ્યે ઊપડી હતી.

એ જ રીતે પુણે-અમ્રિતસર (6E-721) ફ્લાઇટનો ટાઇમ સોમવાર મધરાત બાદ ૨.૫૫ વાગ્યાનો હતો. એના પાઇલટે પણ આવું જ કારણ આગળ ધરીને વિમાન ઉડાવવાની ના પાડી દીધી હતી. ફ્લાઇટ પકડવા પૅસેન્જરો તો રાતે ૧૨ વાગ્યે જ ઍરપોર્ટ પર આવી ગયા હતા. જોકે આ ફ્લાઇટ પણ બીજો પાઇલટ એરેન્જ કર્યા પછી સવારે ૬.૩૦ વાગ્યે ઊપડી હતી.

કેવા છે નવા નિયમો?

નવા નિયમ મુજબ પાઇલટને થાક ન લાગે અને ઍર ટ્રાવેલ સુરક્ષિત રહે એ માટે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ પાઇલટની ડેઇલી ડ્યુટી મૅક્સિમમ ૧૦ કલાકની કરી દીધી છે. પહેલી નવેમ્બરથી FDTLમાં આ નવા નિયમ સામેલ કર્યા છે. નવા નિયમ મુજબ મધરાતના બે વાગ્યાથી સવારના છ વાગ્યાનો સમય ‘વિન્ડો ઑફ સર્કિડયન લૉ’ ગણાતો હોય છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ સમય દરમ્યાન મનુષ્યની સતર્કતા સૌથી ઓછી હોય છે. એથી રાતના લેન્ડિંગની સંખ્યા છ પરથી ઘટાડીને બે કરી દેવાઈ છે. એ સિવાય વીકલી રેસ્ટનો સમય જે અગાઉ ૩૬ કલાક હતો એ વધારીને ૪૮ કલાક કરી દેવાયો છે.

mumbai news mumbai pune news pune