તમારા કાકા અમારી પાસે છે, જો પાછા જોઈતા હોય તો ૫૦ લાખ તૈયાર રાખો

06 August, 2022 09:55 AM IST  |  Mumbai | Mehul Jethva

ડોમ્બિવલીમાં પ્લાયવુડના વેપારીનું અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માગનારા ચાર આરોપીની ધરપકડ

ગુનામાં ધરપકડ કરેલા આરોપીઓ સાથે માનપાડા પોલીસ

ડોમ્બિવલીના માનપાડા વિસ્તારમાં પ્લાયવુડનો વ્યવસાય કરતા એક વેપારી પાસે ખરીદી કરવા આવેલા યુવકોએ એટીએમમાંથી પેમેન્ટ કઢાવી આપવાના બહાને વેપારીને દુકાનની બહાર લઈ જઈ તેને કિડનૅપ કરીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી તેના ભત્રીજા પાસે માગી હતી. એ ન આપવા બદલ આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે આ ઘટનાની જાણ માનપાડા પોલીસને થતાં એણે ગણતરીના કલાકોમાં ચાર આરોપીની ધરપકડ કરી હતી.

ડોમ્બિવલીમાં ડીલક્સ પ્લાયવુડ નામની દુકાનના માલિક હિંમત શેષમલ નાહર ત્રીજી ઑગસ્ટે તેમની દુકાનમાં હાજર હતા ત્યારે જૂનો પરિચિત આરોપી સંજય વિશ્વકર્મા આવ્યો હતો. ત્રણ લાખ રૂપિયાના પ્લાયવુડની ખરીદી કરીને ઍડ્વાન્સ પૈસા માટે તે હિંમત નાહરને દુકાનની બાજુમાં આવેલા એટીએમમાં લઈ ગયો હતા. બાજુનું એટીએમ બંધ હતું એટલે પછી થોડે દૂર આવેલા એટીએમમાંથી પૈસા કઢાવી લઈશું એમ કહીને આરોપીઓએ વેપારીને કારમાં બેસાડીને તેનો મોબાઇલ છીનવી લીધો હતો અને તેનું અપહરણ કર્યું હતું. રાતે નવ વાગ્યે હિંમત નાહરના ભત્રીજા જિતુ નાહરના મોબાઇલ પર આરોપીનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તમારા કાકા અમારી પાસે છે અને જો તે પાછા જોઈતા હોય તો ૫૦ લાખ રૂપિયા તૈયાર રાખો, અમે એક કલાકની અંદર પૈસા ક્યાં પહોંચાડવા એની જાણ કરીએ છીએ. ત્યાર બાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને આ બનાવની જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક

સિનિયરોના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવીને ટેક્નિકલ તપાસ માટે અલગ-અલગ જગ્યાએ મોકલી હતી. એની સાથે માનપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
માનપાડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ તરમલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ જિતુ નાહરને દર કલાકે ફોન કરતા હતા અને પૈસા લેવા માટે અલગ-અલગ જગ્યાએ બોલાવતા હતા. આરોપીઓએ જિતુ નાહરને શાહપુર તાલુકાના મુંબઈ-આગરા રોડ પર આવેલા ગોઠેઘર ગામ પાસેના બોગદા ખાતે પૈસા લાવવાનું કહ્યું હતું. ત્યાર બાદ તરત જ ચાર ટીમ બનાવીને ગામના લોકોનાં કપડાં પહેરાવીને પોલીસને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી તેમ જ જિતુને પૈસાની થેલી તૈયાર કરવા અને આરોપીને પૈસા ચૂકવતા પહેલાં અપહરણ કરાયેલા કાકાને જોવાની સૂચના આપી હતી. જિતુ પૈસાની થેલી લઈને ટનલ પાસે ઊભો હતો ત્યારે એક ઝાયલો કાર ત્યાં આવી હતી. એમાં આવેલા ત્રણ આરોપીઓએ પૈસાની માગણી કરી ત્યારે જિતુએ પહેલાં તેના કાકાને જોવાની માગણી કરી હતી. એ વાત પર તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે પોલીસે તાત્કાલિક કારને ઘેરી લઈને ત્રણેય લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કરતાં તેમણે માહિતી આપી કે અપહરણ કરાયેલી વ્યક્તિને નજીકની રૂમમાં રાખવામાં આવી હતી. પોલીસની ટીમે આરોપી સાથે ગામમાં જઈને તેણે બતાવેલા મકાનની તપાસ કરતાં એમાંથી અન્ય એક આરોપી મળી આવ્યો હતો તેમ જ અપહરણ કરાયેલો વેપારી પલંગ સાથે દોરી વડે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. એ પછી અપહરણ કરાયેલા વેપારીને બચાવી લેવામાં આવ્યો હતો. આરોપીઓ સંજય વિશ્વકર્મા, સંદીપ રોકડે, ધર્મજ કાંબળે, રોશન સાવંતની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ ડોમ્બિવલી અને કલ્યાણના રહેવાસી છે. તેમની પાસેથી ઝાયલો કાર અને ચાર મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં છે. આરોપીઓ બેરોજગાર હોવાથી વેપારીની તમામ માહિતી મેળવી ઝડપી પૈસા કમાવાના હેતુથી ગુનો કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.’

mumbai mumbai news Crime News mumbai crime news dombivli mehul jethva