✕

ટાઇગર શ્રોફ પર હુમલો કરતાં પહેલાં આરોપીઓએ જંગલ વિસ્તારમાં જઈને કરી હતી ફાયરિંગ-પ્રૅક્ટિસ

23 October, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુમલો કરતાં પહેલાં આરોપીઓએ બીજી કઈ-કઈ તૈયારીઓ કરી હતી એની તપાસ શરૂ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપીઓ જે હોટેલમાં રહ્યા હતા એ આર.આર. રેસિડન્સી હોટેલ.

ટાઇગર શ્રોફ પર હુમલાની તપાસ કરી રહેલી પોલીસને પૂછપરછ દરમ્યાન સતત નવી વિગતો મળી રહી છે. મુંબઈ નજીક એક-બે આરોપીઓએ ફાયરિંગ-પ્રૅક્ટિસ કરી હતી. એક બીજા આરોપીએ બે રાઉન્ડ ફાયર કર્યા હતા, જ્યારે બીજા આરોપીએ એક રાઉન્ડ ફાયર કરીને પોતાનું નિશાન બરાબર છે કે નહીં એ ચકાસ્યું હતું તથા હથિયાર બરાબર ચાલે છે કે નહીં એની ખાતરી કરી હતી. તેઓ ૧૭ ઑક્ટોબરે રિક્ષા દ્વારા મુંબઈની બહાર જંગલ વિસ્તારમાં ગયા હતા અને ત્યાં જઈને ટાર્ગેટ-પ્રૅક્ટિસ કરી હતી અને એ બદલ તેમણે રિક્ષાવાળાને ૪૦૦ રૂપિયા પણ ચૂકવ્યા હતા.

આ ઉપરાંત આરોપીઓ અંધેરીની જે હોટેલમાં રોકાયા હતા એની રૂમમાં પિસ્ટલ ટેસ્ટ કરતી વખતે કે જૅમ થયેલો રાઉન્ડ બહાર કાઢવાનો પ્રયાસ કરતાં મિસફાયર પણ થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે મિસફાયર થયેલો રાઉન્ડ રૂમના બેડને લાગ્યો હતો. પોલીસ આરોપીઓને તેમણે જે સ્થળે ફાયરિંગ-પ્રૅક્ટિસ કરી હતી એ સ્થળે પણ લઈ ગઈ હતી અને આરોપીઓએ પણ એ સ્થળને ઓળખી કાઢ્યું હતું. હવે પોલીસ એ લોકેશનની તપાસ કરી રહી છે. હુમલો કરતાં પહેલાં આરોપીઓએ બીજી કઈ-કઈ તૈયારીઓ કરી હતી એની તપાસ શરૂ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી હોટેલમાં ચેક-ઇન કર્યું

ક્રાઇમ બ્રાન્ચને હોટેલ સ્ટાફે આપેલી માહિતી મુજબ આરોપીઓ રેહાન અંસારી અને ફૂલ સિંહે ૧૪ ઑક્ટોબરે સવારે ૧૧ વાગ્યે ચકાલામાં આવેલી આર.આર. રેસિડન્સી નામની ઓછા બજેટવાળી હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. બન્ને ૧૮ ઑક્ટોબર સુધી હોટેલમાં રહ્યા હતા. બન્ને પીળા રંગની મોટરસાઇકલમાં આવ્યા હતા અને નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ચેક-ઇન કર્યું હતું. હુમલો કરતાં પહેલાં બન્ને જણ રવિવારે સાંજે ૪.૧૦ વાગ્યે હોટેલના પાછળના ગેટથી રવાના થયા હતા. બ્લુ કલરની નાની બૅગ લઈને હોટેલના સ્ટાફને તે ચેક-આઉટ કરતા હોવાની જાણ કર્યા વિના ચાલ્યા ગયા હતા. તેઓ ૪ દિવસ દરમ્યાન સામાન્ય રીતે બપોરે એક વાગ્યે હોટેલમાંથી નીકળતા અને ત્રણેક કલાક પછી પાછા આવતા. તેઓ ફરવા નીકળ્યા હોવાનું હોટેલ-સ્ટાફને જણાવતા. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસતાં તેમને ૧૮ તારીખે પાછળના દરવાજેથી બ્લુ રંગની હથિયાર ભરેલી બૅગ લઈને જતા આરોપીઓ દેખાયા હતા. પોલીસે તેમના રૂમની તપાસ કરતાં તેઓ પોતાનાં કપડાં પણ મૂકીને ગયા હોવાનું જણાયું હતું.  

નવા આરોપીઓમાંથી ૪ને ૨૬ ઑક્ટોબર સુધી પોલીસ-કસ્ટડી, અનિલ પંડિત વૉન્ટેડ જાહેર

હુમલો કરનારા આરોપીઓને હથિયાર પહોંચાડવામાં તથા અન્ય રીતે મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા અન્ય ૪ આરોપીઓને પોલીસે બુધવારે એસ્પ્લેનેડ મૅજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં તેમને પોલીસ-કસ્ટડી ફટારવામાં આવી હતી. કોર્ટે આરોપીઓ કુણાલ (૨૧ વર્ષ), સુમિત (૧૯ વર્ષ), રાધા (૨૩ વર્ષ) અને બબીતા (૨૩ વર્ષ)ને ૨૬ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી ફટકારી હતી, જ્યારે હુમલાના મુખ્ય સૂત્રધાર અને કથિતપણે અમેરિકાથી આખું ઑપરેશન હૅન્ડલ કરનારા લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના મહત્ત્વના સભ્ય અનિલ પંડિતને પોલીસે આ કેસમાં વૉન્ટેડ જાહેર કર્યો છે. 

કોઈ નક્કર પુરાવા નથી, ફક્ત શંકાના આધારે ધરપકડ : બચાવપક્ષ

કોર્ટમાં ચાલતી દલીલ દરમ્યાન આરોપીઓ વતી કેસ લડનારા વકીલ અજિંક્ય મિરગલ અને સત્યવ્રત જોશીએ પોલીસ-કસ્ટડીની માગણીનો વિરોધ કર્યો હતો. ચારેય આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી અને તેમને ફક્ત શંકાના આધારે પકડવામાં આવ્યા હોવાની દલીલ તેમણે કરી હતી. જોકે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા પછી કોર્ટે ચારેય આરોપીઓને ૨૬ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડીની મંજૂરી આપી હતી. 

tiger shroff lawrence bishnoi mumbai police mumbai news mumbai