✕

મુલુંડના કચ્છી વેપારીને વિનયભંગના ખોટા કેસમાં ફસાવીને પૈસા માગનારી યુવતી પકડાઈ ગઈ

12 November, 2026 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે છટકું ગોઠવીને ખંડણી ઉઘરાવનારી ગૅન્ગને ઝડપી લીધી

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં રહેતા અને જવાહર સિનેમા નજીક મશીનરી પાર્ટ્‍સનો વ્યવસાય કરતા ૪૪ વર્ષના કચ્છી વેપારી હિતેશ ગાલા સામે વિનયભંગનો ખોટો કેસ નોંધાવીને એ પતાવવાના નામે ૧૫ લાખ રૂપિયાની ખંડણી માગવાના પ્રકરણમાં પાર્કસાઇટ પોલીસે ૨૧ વર્ષની નંદિની જાયસવાલ સહિત ૪ લોકોની ધરપકડ કરી છે.
સ્થાનિક મુલુંડ પોલીસ-સ્ટેશનના અમુક અધિકારીઓની યુવતી સાથે સંડોવણી હોવાનું ધ્યાનમાં આવતાં વેપારીએ ઈસ્ટર્ન સબર્બ્સના ઍડિશનલ કમિશનરની મુલાકાત લઈને પુરાવા સોંપ્યા હતા. ત્યાર બાદ પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ સતત ૭ દિવસ સુધી સફળ ટ્રૅપ ગોઠવી આ સમગ્ર બ્લૅકમેઇલિંગ અને નાણાં પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. એટલું જ નહીં, કચ્છી વેપારી સામે વિનયભંગની ખોટી ફરિયાદ નોંધાવનાર આ યુવતીએ અગાઉ પણ અન્ય ત્રણ લોકો સામે વિવિધ પોલીસ-સ્ટેશનમાં આવા જ વિનયભંગના કેસો નોંધાવ્યા હોવાનું પોલીસ-તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની શરૂઆત અને વિવાદ
હિતેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચ ઑગસ્ટે નંદિની જાયસવાલને મેં મારી દુકાનના સેલ્સ કાઉન્ટર પર નોકરીએ રાખી હતી. થોડા દિવસો બાદ નંદિનીએ માતાની બીમારીનું કારણ ધરીને ૨૫,૦૦૦ રૂપિયાની રકમ મારી પાસે ઉધાર લીધી હતી, પરંતુ જ્યારે મેં આ રકમ તેના પગારમાંથી કાપી લેવાનું જણાવ્યું ત્યારે તેણે વિવાદ કરવાનું શરૂ કર્યું અને ૧૩ સપ્ટેમ્બરે તેણે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં મારી સામે વિનયભંગ કર્યો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી. દરમ્યાન બાવીસ સપ્ટેમ્બરથી આકાશ યાદવે મને ફોન કરીને નંદિનીએ મારી સામે નોંધાવેલો કેસ રદ કરવા માટે ૧૫ લાખ રૂપિયાની માગણી શરૂ કરી અને પૈસા નહીં આપવા પર બીજા મોટા ગુનામાં ફસાવવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.’

ઑડિયો-વિડિયો પુરાવા
હિતેશ ગાલાએ કહ્યું હતું કે ‘આકાશ યાદવ અને નંદિની જાયસવાલ બન્ને સાથે મળીને મારા પર માનસિક દબાણ વધારી રહ્યાં હતાં. એ સમયે હું સ્થાનિક મુલુંડ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ પાસે મારી ફરિયાદ લઈને ગયો હતો ત્યારે તેમણે મારી ફરિયાદ સામે આંખ આડા કાન કર્યા હતા જેથી મેં સીધા ઈસ્ટર્ન સબર્બ્સના ઍડિશનલ પોલીસ-કમિશનર ધનજંય કુલકર્ણીનો સંપર્ક કર્યો હતો. તેમની સૂચનાથી આ મામલો પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. સિનિયર પોલીસ-અધિકારીઓ અને ડિટેક્શન સ્ટાફના માર્ગદર્શન હેઠળ સતત ૭ દિવસ મેં આરોપીઓ સાથેની વાતચીતનાં ઑડિયો અને વિડિયો-રેકૉર્ડિંગ પુરાવા તરીકે એકત્રિત કર્યાં જેનાથી પોલીસને મજબૂત કાનૂની આધાર મળ્યો હતો. આ દરમ્યાન આકાશને હું બેથી ત્રણ વાર મળવા પણ ગયો હતો, એ સમયે પોલીસે મારાં કપડાંની અંદર ઑડિયો અને વિડિયો-કૅમેરા ગોઠવ્યા હતા જેનાથી આરોપીઓ ૧૫ લાખ રૂપિયાની માગણી કરતાં હોવાની ખાતરી થઈ હતી.’

પોલીસના ૩ વિસ્તારમાં ટ્રૅપ 
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ ફરિયાદીને પૈસા દેવા માટે મુલુંડના જૉન્સન ઍન્ડ જૉન્સન ગાર્ડન પાસે બોલાવ્યો હતો, પણ જ્યારે વેપારી ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીએ છેલ્લી ઘડીએ લોકેશન બદલીને સામે ફાયરબ્રિગેડ પરિસરમાં વેપારીને બોલાવ્યો હતો. જ્યારે વેપારી ત્યાં પહોંચ્યો ત્યારે ફરી એક વાર શિવરામ સોસાયટી નજીક તેને બોલાવવામાં આવ્યો હતો. અમારા ૨૦ લોકોના સ્ટાફને શુક્રવાર સવારથી જ આસપાસના વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં ગોઠવી દીધો હોવાથી જ્યારે વેપારી હિતેશ ગાલા આ રકમ લઈને શિવરામ સોસાયટી બસ-સ્ટૉપ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં નંદિની જાયસવાલ અને આકાશ યાદવે બૅગ સ્વીકારી હતી. એ જ ક્ષણે છુપાઈને બેઠેલા અમારા અધિકારીઓએ તરત દરોડો પાડીને નંદિની જાયસવાલ, આકાશ યાદવ, આકાશ ધિવર અને અન્ય એક સહિત ૪ આરોપીઓને રંગેહાથ પકડી લીધાં અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન તથા રોકડ જપ્ત કરી કાયદેસરની ધરપકડ કરી હતી. આરોપી યુવતીએ આ પહેલાં પણ ૩ લોકો સામે વિનયભંગના કેસ અલગ-અલગ નોંધાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai mulund Crime News mumbai crime news mumbai police