03 July, 2026 09:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
૪ આતંકવાદીઓની ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પંજાબ અને દિલ્હીમાંથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે જોડાયેલા ૪ આતંકવાદીઓની ધરપકડ કરીને રાજધાનીમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પકડાયેલા આરોપીઓની ઓળખ શુભદીપ સિંહ (૨૩ વર્ષ), ગુરજન્ટ સિંહ (૨૨ વર્ષ), સાજન સિંહ (૨૮ વર્ષ) અને ગગનપ્રીત (૨૪) તરીકે થઈ હતી. એમાંથી ૩ પંજાબના વતની હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા ISI હૅન્ડલર શહઝાદ ભટ્ટીના સીધા સંપર્કમાં હતા અને તેમને સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો તથા નશીલા પદાર્થો સપ્લાય કરવામાં આવતાં હતાં.
પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ગગનપ્રીતે દિલ્હીનાં કેટલાંક અગ્રણી ધાર્મિક સ્થળો અને પોલીસ-સ્ટેશનોની રેકી કરી હતી અને તેને અંધાધૂંધ ફાયરિંગ કરવાની જવાબદારી સોંપાઈ હતી. પકડાઈ જવાથી બચવા માટે આ ગૅન્ગ વિદેશી ફોન-નંબરોનો ઉપયોગ કરતી હતી. પોલીસે તેમની પાસેથી બે વિદેશી બનાવટની પિસ્તોલ, ૯ જીવતી કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યાં હતાં.