✕

મુંબઈના ૪ જૈન મિત્રોનાં શંખેશ્વર જતી વખતે અકસ્માતમાં થયાં મોત

27 September, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ મિત્રોની કાર વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર શુક્રવારે સવારે સુરતના કામરેજ નજીક પાર્ક કરાયેલા ડમ્પર ટ્રક સાથે અથડાતાં તે ચારેયનાં કરુણ મોત થયાં હતાં

ચારેય મિત્રોના અકસ્માતમાં થયેલાં કરુણ અવસાન બાદ જૈન સમાજમાં તેમને શ્રદ્ધાંજલિ આપતા મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યા હતા.

મુંબઈમાં રહેતા અને દર મહિને શંખેશ્વર પૂનમ ભરવા જતા ૪ મિત્રોની કાર વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર શુક્રવારે સવારે સુરતના કામરેજ નજીક પાર્ક કરાયેલા ડમ્પર ટ્રક સાથે અથડાતાં તે ચારેયનાં કરુણ મોત થયાં હતાં. આ ઘટનાને કારણે જૈન સમાજમાં હાહાકાર મચી ગયો છે. 

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા રાજીવ જૈન, જયંતી દોશી, પ્રવીણ જૈન અને સંજય ખેમચંદ રાજસ્થાનના વતની હતા અને મુંબઈમાં લાંબા સમયથી સ્થાયી થયા હતા. તેઓ જૈન સમુદાયના મુખ્ય તીર્થસ્થળ શંખેશ્વર જૈન મંદિર જઈ રહ્યા હતા. પોલીસ-સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે સવારે ૮ વાગ્યે બની હતી. ડમ્પર ટ્રકના ડ્રાઇવરે તેની ટ્રકનું ટાયર પંક્ચર થઈ જતાં ટ્રક ડાબી બાજુ પાંચમી લેનમાં ઊભી રાખી હતી. મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતી કાર ઊભેલી આ ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. કારમાં સવાર ચારેય મિત્રોને જીવલેણ ઈજાઓ થઈ હતી. સ્થાનિક રાહદારીએ અકસ્માત વિશે કામરેજ પોલીસ-સ્ટેશનને જાણ કરી હતી. ચારેયની ઓળખ તેમની પાસેના દસ્તાવેજો દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ-ઇન્સ્પેક્ટર આર. બી. ગોજિયાએ કહ્યું હતું કે ‘આ ચારેય લોકો પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર જૈન તીર્થસ્થળની મુલાકાતે જઈ રહ્યા હતા. તેઓ વહેલી સવારે મુંબઈથી નીકળ્યા હતા. તે તમામની ઉંમર આશરે ૪૦ વર્ષ છે.’

mumbai news mumbai surat vadodara jain community road accident