✕

જ્ઞાનપંચમી અવસરે જ્ઞાનપૂજન અને ગોંડલ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રથમ વાર અવધાનની વિશિષ્ટ પ્રસ્તુતિ

14 November, 2026 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્ઞાનની આરાધના અને સંયમ પથની અનુમોદનાના પાવન અવસરે બાળકોનું જ્ઞાનપૂજન; મુમુક્ષુ અરુણા હળવદિયાનો દીક્ષા આજ્ઞા પત્રિકા અવસર યોજાશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યમાં શનિવારે ૧૪ નવેમ્બરે સવારે ૯ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ) સ્થિત આરાધ્યા ભક્તિ પાર્ક, હૉકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જ્ઞાનપૂજન અને દીક્ષા આજ્ઞા પત્રિકા અવસરનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્ઞાન એ આત્માના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને આંતરિક ચેતનાને જાગૃત કરવાનું પવિત્ર માધ્યમ છે. જૈન ધર્મમાં જ્ઞાનની આરાધનાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જ્ઞાનની મહિમાને ઉજાગર કરવા અને નવી પેઢીમાં જ્ઞાન પ્રત્યે ભક્તિ, આદર તથા સંસ્કારોનું સિંચન કરવાના પવિત્ર ઉદ્દેશ સાથે બાળકોનું સામૂહિક જ્ઞાનપૂજન કરવામાં આવશે જેથી જ્ઞાનને માત્ર અભ્યાસ કે માહિતી પૂરતું સીમિત ન રાખતાં એને જીવનઘડતર અને આત્મજાગૃતિનું સાધન બનાવી શકાય.
આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ પરમ ગુરુદેવની અનંત કૃપાથી પરમ નૈમપ્રિયાજી મહાસતીજી દ્વારા રજૂ થનાર ‘અવધાન’ની અદ્ભુત સાધના રહેશે. એકાગ્રતા, અસાધારણ સ્મરણશક્તિ અને માનસિક ક્ષમતાના અલૌકિક સમન્વય દ્વારા માનવીની આંતરિક શક્તિઓનો પરિચય કરાવશે. એકસાથે અનેક બાબતોને ધ્યાનમાં રાખીને અદ્ભુત સ્મરણશક્તિનું પ્રદર્શન કરતી આ સાધના ઉપસ્થિત સૌના માટે આશ્ચર્ય અને પ્રેરણાનો વિષય બનશે એ નક્કી છે.
આ અવસરને વધુ મંગલમય બનાવશે મુમુક્ષુ અરુણા હળવદિયાનો દીક્ષા આજ્ઞા પત્રિકા અવસર. સંસારનાં મોહ-માયાનાં બંધનોમાંથી મુક્ત થઈ આત્મકલ્યાણના પંથે આગળ વધવાનો તેમનો સંકલ્પ હવે દીક્ષાની પવિત્ર દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરશે.
ઉલ્લેખનીય છે કે આગામી ૨૯ નવેમ્બરે મુંબઈના પ્રતિષ્ઠિત જિયો કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અગાઉથી દીક્ષા ગ્રહણ કરવાનો સંકલ્પ કરી ચૂકેલાં ૩ મુમુક્ષુઓ જાનવી શાહ, યશ્વી મહેતા અને તન્મયા રાજપૂતની સાથે હવે મુમુક્ષુ અરુણા હળવદિયાનો પણ સમાવેશ થતાં પરમ ગુરુદેવની પ્રેરણા અને સાંનિધ્યમાં કુલ ૪ મુમુક્ષુ આત્માઓ સંયમ માર્ગ અંગીકાર કરી દીક્ષિત જીવનની મંગલ શરૂઆત કરશે. 

jio culture news festivals mumbai news whats on mumbai mumbai jain community