સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મહિનાના બાળક સહિત ચાર જણ દાઝી ગયા

01 December, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે ૭ વાગ્યે ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું ત્યારે બધા સૂતા હતા એટલે આગથી બચવા માટે તેઓ ઝડપથી ઘરની બહાર દોડી ન શકતાં સખત દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

વરલીની બીડીડી ચાલના આ ઘરમાં થયો હતો સિલિન્ડર બ્લાસ્ટ. આશિષ રાજે

વરલીમાં આવેલા એક ઘરમાં ગઈ કાલે સવારે ગૅસ-સિલિન્ડર ફાટતાં એક જ પરિવારના ચાર જણને ઈજા થઈ હતી. ધડાકા બાદ લાગેલી આગમાં એક ટીનેજર સહિત બેની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. સવારે ૭ વાગ્યે ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું ત્યારે બધા સૂતા હતા એટલે આગથી બચવા માટે તેઓ ઝડપથી ઘરની બહાર દોડી ન શકતાં સખત દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 
ફાયરબ્રિગેડના પ્રવક્તા દ્વારા અપાયેલી માહિતી મુજબ ગઈ કાલે સવારે ૭.૧૧ વાગ્યે વરલીમાં ગણપતરાવ જાધવ માર્ગ પરની બીડીડી ચાલમાં આવેલા એક ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર મહિનાનું બાળક મંગેશ પુરી, પાંચ વર્ષનું વિષ્ણુ પુરી, ૨૭ વર્ષના આનંદ પુરી અને ૨૫ વર્ષની વિદ્યા પુરી ગંભીર રીતે જખમી થતાં તેમને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. વિદ્યા અને વિષ્ણુ પુરીની તબિયત ખૂબ ખરાબ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. આગની જાણ કરાયા બાદ ફાયરબ્રિગેડ, પોલીસ અને સુધરાઈના વૉર્ડ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 
૯.૪૪ વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. દરમ્યાન, દાઝી ગયેલાઓને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યારે એક કલાક સુધી કોઈ ડૉક્ટર હાજર ન હોવાનો વિડિયો વાયરલ થયા બાદ હૉસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલે આ મામલે તપાસનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Mumbai mumbai news