મુંબઈ, કોંકણ, પશ્ચિમી મહારાષ્ટ્રમાં ચાર-પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

12 September, 2021 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાયગડ, પુણે, રત્નાગિરિ અને કોલ્હાપુરમાં ઑરેન્જ તો મુંબઈ, થાણે, પાલઘર, વર્ધા અને સિંધુદુર્ગમાં યલો અલર્ટ

વરસાદને કારણે તિલકનગર રેલવે સ્ટેશન પાસે રસ્તામાં ખાડા પડી ગયા હતા. ગઈ કાલે આવા ખાડા વચ્ચેથી વરસાદમાં પસાર થઈ રહેલો મુંબઈકર. સૈયદ સમીર અબેદી

બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા હવાના હળવા દબાણને પગલે આગામી ૪૮ કલાકમાં ચોમાસું આગામી બેથી ત્રણ દિવસમાં વેસ્ટ-નૉર્થવેસ્ટ દિશામાં આગળ વધવાની શક્યતા હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. આ આગાહીને પગલે આગામી ચારથી પાંચ દિવસ મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈમાં હવામાન ખાતાની કોઈ આગાહી ન હોવા છતાં ગઈ કાલે જોકે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ઉત્તર મુંબઈ, પાલઘર અને થાણેમાં કેટલાંક સ્થળે ગઈ કાલે સવારે ભારે ઝાપટાં નોંધાયાં હતાં. 
આગાહીને પગલે વેધશાળાએ ગઈ કાલે રાયગડ, પુણે, રત્નાગિરિ, સાતારા અને કોલ્હાપુરમાં ઑરેન્જ અને મુંબઈ, થાણે, પાલઘર, વર્ધા અને સિંધુદુર્ગમાં યલો અલર્ટ જારી કરી હતી. 
વેધશાળાના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સિવાયના રાજ્યના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આગામી ત્રણ-ચાર દિવસમાં છે. સોમવારથી ઉત્તર મહારાષ્ટ્રની સાથે વિદર્ભ અને મરાઠવાડામાં પણ સારો વરસાદ થઈ શકે છે.
વિદર્ભમાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે અહીં જોરદાર વરસાદ થવાથી ખેતીને તેમ જ ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. અહીંના ખેડૂતોએ વરુણદેવને ખમૈયા કરવાની વિનંતી કરવાની સાથે સરકારને ભારે વરસાદને પગલે થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને વળતરની માગણી કરી છે.

Mumbai mumbai news mumbai rains