03 July, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાથમાં ‘ફોર બિન, થાણે ક્લીન’નાં પોસ્ટરો લઈને ઝુંબેશ લૉન્ચ કરતા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ.
ઑક્ટોબર મહિનાથી થાણેની બધી જ સોસાયટીઓ અને કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ્સમાં કચરો છૂટો પાડવા માટે ચાર જુદી-જુદી કચરાપેટીઓ રાખવાનું ફરજિયાત રહેશે. ‘ફોર બિન, થાણે ક્લીન’ આ ઝુંબેશ હેઠળ જુદા-જુદા પ્રકારના કચરા માટે જુદી-જુદી કચરાપેટીઓ રાખવી ફરજિયાત બનાવવામાં આવશે. ભીના કચરા માટે ગ્રીન, સૂકા કચરા માટે બ્લુ, સૅનિટરી કચરા માટે રેડ અને ઝેરી તથા ઇલેક્ટ્રૉનિક કચરા માટે બ્લૅક કલરની કચરાપેટી રાખવાનું ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું થાણેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધુકર બોડકેએ જણાવ્યું હતું.
ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જતા કચરામાં ઘટાડો કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે જૂની સોસાયટીઓ છે એમાં આ પ્રકારે ચાર જુદી-જુદી કચરાપેટીઓ રાખવા માટે જગ્યા શોધવી અઘરું બની રહેશે. એમાં પણ મોટા પ્રમાણમાં કચરો પેદા કરતાં તથા દરરોજ ૪૦,૦૦૦ લીટર કરતાં વધુ પાણીનો વપરાશ કરતાં ૨૦,૦૦૦ સ્ક્વેર મીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલાં કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ્સ માટે વધુ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમણે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)માં કાયદેસર રજિસ્ટ્રેશન કરાવીને કચરાનો નિકાલ કરવો પડશે.