નવી મુંબઈમાં ઑનલાઇન ગેમિંગના નામે થતી છેતરપિંડીનો પર્દાફાશ

29 March, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૫.૧૬ લાખની છેતરપિંડી કરનાર બે જણ ઝડપાયા, દુબઈ-કનેક્શન બહાર આવ્યું

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ સાઇબર સેલે ઑનલાઇન ગેમિંગના નામે ૬૫.૧૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગૅન્ગનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બૅન્કમાં સિક્યૉરિટી અસિસ્ટન્ટ મૅનેજરનો પણ સમાવેશ છે. આ છેતરપિંડી આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી ગૅન્ગ સાથે સંકળાયેલી છે અને એનું કનેકશન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ૮૬ બૅન્ક-અકાઉન્ટ કિટ, ૬૪ ડેબિટ કાર્ડ, ૧૫ સિમ કાર્ડ તેમ જ મોબાઇલ, લૅપટૉપ સહિતનાં ઇલેક્ટ્રૉનિક સાધનો જપ્ત કર્યાં છે.

નવી મુંબઈ સાઇબર સેલના સિનિયર ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોપરખૈરણેમાં રહેતા ૩૦ વર્ષના વેપારીને SAT Sports નામના ઑનલાઇન પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન કરાવીને આરોપીઓએ તેમને તીન પત્તી અને કસીનો જેવી ગેમમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા અને પછી શરૂઆતમાં નાની રકમ પર નફો બતાવીને તેઓ તેમનો વિશ્વાસ જીત્યા એ પછી ૬૫.૧૬  લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કેસમાં તપાસ કરીને જોગેશ્વરીમાં રહેતા ૨૬ વર્ષના વિશાલ જાયસવાલ અને ૨૬ વર્ષના આવેશ વર્માની ધરપકડ કરી છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ ભારતમાં સિમ કાર્ડ સક્રિય કરીને એ દુબઈના તેમના સાથીદારોને મોકલતા હતા અને ત્યાંથી છેતરપિંડીની રકમ ઉપાડવામાં આવતી હતી. આ એક રૅકેટ છે અને એમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. હાલમાં અમે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai navi mumbai Crime News mumbai crime news mumbai police cyber crime