માહિમમાં મફત પીત્ઝા-બર્ગર માટે BMCના બોગસ અધિકારી બનીને તોડબાજી કરતા બે ઠગની ધરપકડ

14 July, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બનાવટી અધિકારીએ આખા માહિમની હોટેલો મફતમાં ફૂડ આપતી હોવાનું કહીને દુકાન બંધ કરાવવાની ધમકી આપી હતી

પીત્ઝા અને બર્ગર મફતમાં લેવા આવેલો ગઠિયો

રાજ્યમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના નવા કમિશનર તુકારામ મુંઢેની નિમણૂક બાદ હોટેલો અને ખાદ્ય પદાર્થો વેચતી દુકાનો પર સતત દરોડા પડી રહ્યા છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને કેટલાક નકલી અધિકારીઓ અને તોડબાજો પણ સક્રિય થઈ ગયા છે. માહિમ-વેસ્ટના એલ. જે. રોડ પર આવેલા ફૂડ મોહલ્લા કૅફેમાં રવિવારે રાત્રે BMCના અધિકારી બનીને ૪ પીત્ઝા અને ૪ બર્ગર મફત માગનાર અનિકેત ઇંગળે અને સંતોષ કાંબળેની માહિમ પોલીસે ધરપકડ કરી હતી.

આરોપી અનિકેતે પોતાની BMCના અધિકારી તરીકે ઓળખ આપીને મફતમાં આશરે ૧૪૦૦ રૂપિયાના પીત્ઝા અને બર્ગરની માગણી કરી હતી અને એ ન આપવા પર દુકાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને એને બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. તેની વાતો પર દુકાનમાલિકને શંકા આવતાં તેણે પોલીસને જાણ કરતાં તમામ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પોલીસે શું કહ્યું?
માહિમ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને આરોપીઓ BMCના અધિકારી નથી. તેમણે બોગસ ID કાર્ડ બનાવ્યાં હોવાની માહિતી મળી છે. આ કેસમાં એક આરોપીની કૅફે પરથી જ્યારે બીજાની તેના ઘરેથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’

શું હતો ઘટનાક્રમ?
ફૂડ મોહલ્લા કૅફેના માલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે સાડાબાર વાગ્યે એક યુવાન મારી દુકાને આવ્યો હતો. તેણે પોતાની ઓળખ BMCના અધિકારી તરીકે આપીને ૪ પીત્ઝા અને ૪ બર્ગર આપવા કહ્યું હતું. એ સમયે મારા કૅફેના મૅનેજરે તેની પાસેથી ૧૪૦૦ રૂપિયાના ભિલની માગણી કરી હતી. ત્યારે તેણે કહ્યું કે ‘આખું માહિમ મને મફતમાં ખાવાનું આપે છે, તું કેમ નહીં આપે એ હું જોઈ લઈશ, તારા પર કડક કાર્યવાહી કરાવીશ’ એમ કહીને તેણે કોઈ કાંબળેસાહેબ નામની વ્યક્તિને ફોન લગાવીને મારા મૅનેજર સાથે વાત કરાવી હતી. ફોન પર પણ કાંબળે નામની વ્યક્તિએ કૅફે બંધ કરાવવાની અને ભારે દંડ ફટકારવાની ધમકી આપી હતી. પોતાની ઓળખ સાબિત કરવા મારી દુકાને આવેલા માણસે ID કાર્ડ બતાવ્યું હતું જેમાં તેનું નામ અનિકેત ઇંગળે અને BMCના G નૉર્થ વૉર્ડના અધિકારી લખેલું હતું. આ ID કાર્ડ બતાવીને પણ તેણે ભારે વિવાદ કર્યો હતો. અંતે મને તેના વર્તન પરથી શંકા આવતાં મેં પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી. પોલીસ મારી દુકાનમાં આવેલા માણસને પોતાની સાથે લઈ ગઈ હતી.’

mumbai news mumbai mahim brihanmumbai municipal corporation food and drug administration Crime News mumbai crime news