04 August, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ઘાટકોપરસ્થિત આરાધ્યા ભક્તિ પાર્કમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ‘ફ્રેન્ડશિપ અનપ્લગ્ડ’ પ્રોગ્રામ યોજાયો હતો
ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ઘાટકોપરસ્થિત આરાધ્યા ભક્તિ પાર્કમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ‘ફ્રેન્ડશિપ અનપ્લગ્ડ’ પ્રોગ્રામ યોજાયો હતો. જેન-ઝી સહિત મુંબઈના હજારો યુવાનોને આ પ્રોગ્રામમાં ફ્રેન્ડશિપની નવી પરિભાષા સાથે જીવનને સાચી દિશા આપનારી ‘કલ્યાણ મિત્રતા’નો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ, ચૅટ જીપીટી, સોશ્યલ મીડિયા, સક્સેસ-ફેલ્યર અને સેલ્ફ-સૅટિસ્ફૅક્શન જેવા યુવાનોના સવાલો પર પરમ ગુરુદેવ સાથે યોજાયેલા અનોખા પૉડકાસ્ટમાં તેમને જીવનનાં લૉજિકલ સૉલ્યુશન્સ અને અનેક લાઇફમંત્ર મળ્યાં હતાં.
યુવાનોને પ્રેરણા આપતાં પરમ ગુરુદેવે કહ્યું હતું, ‘જેના ચહેરાની પ્રસન્નતાની રેખા ભાગ્યની રેખા પર ડિપેન્ડન્ટ નથી તેની લાઇફ સક્સેસ.’ સાથે જ ‘ટ્રેન્ડ ફૉલોઅર નહીં, ટ્રેન્ડસેટર બની જાઓ’, ‘દરેક નિષ્ફળતા, સફળતા સુધી પહોંચવાનું પગથિયું હોય છે’ અને ‘બહારની દુનિયામાં ખોવાઈ ન જાઓ, સ્વયંને ખોજી લો, બધું જ મળી જશે’ જેવા જીવનમંત્રો આપ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે જીવનને સાચી દિશા આપનારા કલ્યાણમિત્ર, ગુરુની મિત્રતા કરતાં શ્રેષ્ઠ બીજી કોઈ મિત્રતા નથી.
આ અવસરને આધ્યાત્મિક ઊર્જાથી ભરતાં પરમ ગુરુદેવે હજારો યુવાનોને શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપસાધના કરાવી હતી, જ્યારે સુવિખ્યાત સિંગર પાર્થિવ ગોહિલની ભક્તિગીતોની પ્રસ્તુતિએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓના પ્રયોગ દ્વારા ‘ઑનલાઇન ફ્રેન્ડ નહીં, ઑન-ટાઇમ ફ્રેન્ડ’ બનવાનો સંદેશ અપાયો હતો. પરમ ગુરુદેવના સ્પર્શથી પાવન થયેલી ૨૦૦૦ જેટલી માળા ‘ડિવાઇન ફ્રેન્ડશિપ બેલ્ટ’ યુવાનોને અર્પણ થતાં સમગ્ર વાતાવરણ ગુરુભક્તિમાં ‘પ્લગ ઇન’ થઈ ગયું હતું.
અંતે પરમ ગુરુદેવે જીવનમંત્ર આપ્યો હતો, ‘હૅપી થનારા ક્યારેક સૅડ થઈ શકે, કોઈકને હૅપી કરનારા હંમેશાં હૅપી રહે.’