✕

ફટાકડાને લીધે બોરીવલીના ગાલા ઑપ્ટિક્સમાં પણ લાગી આગ

14 November, 2026 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે ગાલા ઑપ્ટિક્સના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ટૂંક સમયમાં સ્ટોર ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું.

આગ લાગવાના કારણે ગાલા ઑપ્ટિક્સની બોરીવલી (ઈસ્ટ)ની બ્રાન્ચને થયેલું નુકસાન.

બોરીવલી (ઈસ્ટ)માં સ્કાય સિટી પાસે આવેલી આઇવેરની ફેમસ બ્રૅન્ડ ગાલા ઑપ્ટિક્સની બ્રાન્ચમાં ૧૧ નવેમ્બરે આગ લાગી હતી. આ ઘટના મધરાત બાદ ઘટી હોવાના કારણે સ્ટોર બંધ હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી, પરંતુ સ્ટોરને નુકસાન પહોંચ્યું હતું. જોકે ગાલા ઑપ્ટિક્સના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ટૂંક સમયમાં સ્ટોર ગ્રાહકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું.
ઘટનાની વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં સ્ટોરના ઓનરે જણાવ્યું હતું કે ‘અમારી બાજુમાં એક ઑટોમોબાઇલ્સની દુકાન છે અને ત્યાં એક ગ્રીસનું કપડું પડ્યું હતું. ત્યાં કોઈએ ફટાકડા ફોડ્યા હશે અને એના કારણે તણખલું ગ્રીસના કપડા પર પડ્યું હશે જેના કારણે આગ લાગી હતી. ઑટોમોબાઇલ્સની દુકાનમાં લાગેલી આગ પ્રસરીને અમારી દુકાનમાં પણ પ્રસરી હતી. જોકે આગ લાગી એના અડધા-પોણા કલાકમાં જ એને કાબૂમાં લઈ લેવામાં આવી હોવાથી વધુ નુકસાન થયું નહોતું.’
તેમણે સ્ટોરને થયેલા નુકસાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘સ્ટોરના બોર્ડને તથા ઍર-કન્ડિશન સિસ્ટમ તથા ત્યાં મૂકવામાં આવેલા ગ્લાસને આગના કારણે નુકસાન થયું હતું. જોકે સ્ટોરની અંદર રહેલા સામાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી. જે વસ્તુઓને નુકસાન થયું છે એનું સમારકામ કરાવ્યા બાદ અહીં જ સ્ટોર ફરી શરૂ કરવામાં આવશે.’

fire incident borivali mumbai fire brigade mumbai news mumbai diwali