ગણેશોત્સવ 2026: દહિસરમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવા બદલ યુવકની ધરપકડ

21 September, 2026 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૨૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે દહિસર પૂર્વમાં `અમર સેવા મંડળ` દ્વારા સંચાલિત `ઓવરીપાડા ચા રાજા` ગણપતિ પંડાલ પર કથિત રીતે પથ્થર ફેંકવામાં આવ્યો હતો. મંડળના સભ્યોએ દહિસર પોલીસને આ ઘટનાની જાણ કરી અને કાર્યવાહીની માગ કરી હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. દહિસર પૂર્વમાં ગણપતિ પંડાલ પર પથ્થર ફેંકવાના આરોપસર સોમવારે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, ઘાટકોપર પૂર્વમાં એક ગણપતિ મંડળના પ્રમુખની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

દહિસરમાં પંડાલ પર પથ્થરમારો કરવાનો આરોપ

૨૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે દહિસર પૂર્વમાં `અમર સેવા મંડળ` દ્વારા સંચાલિત `ઓવરીપાડા ચા રાજા` ગણપતિ પંડાલ પર કથિત રીતે પથ્થર ફેંકવામાં આવ્યો હતો. મંડળના સભ્યોએ દહિસર પોલીસને આ ઘટનાની જાણ કરી અને કાર્યવાહીની માગ કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં એક યુવક પંડાલ તરફ પથ્થર જેવી વસ્તુ ફેંકતો જોવા મળે છે. તેની નજીક અન્ય બે યુવકો પણ દેખાય છે; જોકે, ફૂટેજમાં તેઓ કંઈપણ ફેંકતા જોવા મળતા નથી. ઘટના દરમિયાન બન્ને યુવકો તે સ્થળ પરથી ચાલ્યા જતા જોવા મળે છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તે યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. તેની ઓળખ હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પથ્થરમારા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

ઘાટકોપરમાં ગણપતિ મંડળના પ્રમુખની હત્યા

બીજી ઘટના ઘાટકોપર પૂર્વના કામરાજ નગરમાં બની હતી. અહીં, `સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ ગણપતિ મંડળ`ના પ્રમુખ રાજેશ રાજેન્દ્રન દેવેન્દ્રરની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ૩૫ વર્ષના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે મંડળના સ્થળની બહાર બની હતી. આરોપ છે કે રૌનક બાલુ સોનાવણેની મંડળના ૧૮ વર્ષીય સ્વયંસેવક વિનય શર્મા સાથે બોલાચાલી થઈ હતી. સોનાવણેને લાગ્યું કે શર્મા તેની સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો. ત્યારબાદ, સોનાવણેએ શર્માને થપ્પડ મારી હતી.

વચ્ચે પડવા દરમિયાન છરીના ઘા

પોલીસના જણાવ્યા અનુસાર, રાજેશ રાજેન્દ્રન દેવેન્દ્રર વચ્ચે પડ્યા અને સોનાવણેને શર્માને થપ્પડ મારવા અંગે પૂછપરછ કરી. આ પછી વિવાદ વકર્યો હતો. આરોપ છે કે સોનાવણે અને તેના સાથીઓએ દેવેન્દ્રર પર હુમલો કર્યો. ત્યારબાદ, સોનાવણેએ દેવેન્દ્રરની છાતીના ડાબી બાજુના ભાગે છરીના ઘા માર્યા હતા. આનંદ તિવારીએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો; તે દરમિયાન તેમને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા અને તેઓ ઘાયલ થયા હતા. જૂથના સભ્યો તે બન્નેને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયા. તબીબોએ દેવેન્દ્રને મૃત જાહેર કર્યો, જ્યારે તિવારીની સારવાર ચાલી રહી છે. પંત નગર પોલીસે આ હત્યાના સંબંધમાં સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ganpati mumbai news murder case mumbai mumbai police ghatkopar dahisar festivals